ઉત્તર ગુજરાતગુજરાત

ધાનેરાના ખીંમત ગામે જૈનોના બંધ મકાનોમાં ચોરી, નાગપાંચમે જ ગોગા મહારાજની મૂર્તિ ઉઠાવી

Text To Speech

ધાનેરા, 23 ઓગસ્ટ 2024,તાલુકાના ખીંમત ગામેથી ધંધાર્થે દેશ-વિદેશમાં વસતા જૈન પરિવારોના મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી છે. નાગ પંચમીએ જ ગોગા સ્વામીની મૂર્તિઓ તસ્કરો ઉઠાવી ગયા હતા. હાલ ત્રણ મકાનમાં ચોરી સામે આવી છે પરંતુ જેમ જેમ પરિવારો વતનમાં આવતા જાય છે તેમ ચોરીની ઘટનાઓ બહાર આવતી જાય છે. જેથી પોલીસ નિષ્ક્રિય હોવાનું જૈન પરિવારો માની રહ્યા છે.

ગોગા મહારાજની ચાંદીની મૂર્તિ ઉઠાવી ગયા
ધાનેરા તાલુકાના ખીમત ગામે તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે. તારીખ 16 ઓગસ્ટના રોજ ખીમતના વતની અને હાલ મુંબઈ ગ્રાન્ટ રોડ ખાતે રહેતા જયેશભાઈ ડાયાભાઈ જોગાણીના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા તેઓ તાત્કાલિક ખીંમત ગામે આવતા તસ્કરો મકાનમાં તિજોરી, કબાટ,મંદિર તોડી સામાન વેર વિખેર કર્યો હતો. જ્યારે તિજોરીમાંથી સોનાની ચેન તેમજ મંદિરમાંથી તેઓની સાત પેઢીથી પૂજાતી નાગ સ્વામી (ગોગા મહારાજ)ની ચાંદીની મૂર્તિ ઉઠાવી ગયા હોવાનું માલૂમ પડતા તેઓએ આ બાબતે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ હજુ સુધી કોઈ તસ્કરને પકડી શકી નથી
ત્યારબાદ તેઓની બાજુમાં રહેતા અને હાલ સુરત ખાતે રહેતા વસંતભાઈ લલ્લુભાઈ જોગાણી પણ ખીમત ગામે આવતા તેમના મકાનના પણ તાળા તૂટેલા જણાયા હતા. તસ્કરો તેમાંથી પણ માલ સામાન ઉઠાવી ગયા હતા. જેની પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામમાં અન્ય બંધ જૈન પરિવારોના મકાનોમાં પણ ચોરી થઈ હોવાની આશંકા છે. જેમ જેમ પરિવારો વતનમાં આવશે તેમ તેમ ચોરીની ઘટના બહાર આવશે. તસ્કરોએ ચોરીનો અંજામ જૈનોના બંધ મકાનોને એક જ દિવસે આપ્યો હશે. જોકે 16 ઓગસ્ટે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ હજુ સુધી કોઈ તસ્કરને પકડી શકી નથી કે ચોરીનો કોઈ ભેદ ઉકેલાયો નથી જેથી જૈન પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃડીસા નગરપાલિકામાં ભાજપના 17 સભ્યોના રાજીનામાથી હડકંપ, પ્રમુખ સામે આક્ષેપ કર્યા

Back to top button