ગુજરાતમધ્ય ગુજરાત

ખેડા : વાત્રક નદીમાં ઘોડાપૂર આવતા નિર્માણાધીન બ્રીજનું સ્ટ્રકચર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું

Text To Speech

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે ખેડા જીલ્લાની વાત્રક નદીમાં પણ નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે. ખેડામાં દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે નિર્માણ પામી રહેલા બ્રિજના ટેકા વાત્રક નદીમાં તૂટી પડ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વાત્રક નદી પર બ્રીજનું સ્ટ્રકચર થયું ધરાશાયી

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે જેના કારણે રાજ્યમાં નદી સહિતના જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ વચ્ચે ખેડાની વાત્રક નદીમાં ધસમસતા નીરનો પ્રવાહ આવતા દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે નિર્માણ પામી રહેલા બ્રિજના લોખંડના ટેકા એકાએક તૂટી પડ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મહત્વની તપાસ હાથ ધરવામાં આવશે.

 

નદીમાં પાણીનો પ્રવાહ વધુ આવતા બ્રિજના સ્ટ્રક્ચરને નુકસાન

મહત્વનું છે કે ખેડા તાલુકાના મોટા દેદરડાથી વાસણા ખુર્દ વચ્ચે વાત્રક નદી પર છેલ્લા દોઢ વર્ષથી બ્રિજ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. આ બ્રિજ લગભગ 8 કરોડના ખર્ચે બની રહ્યો છે અને તેનુ કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. આ બ્રિજ નીચેથી વાત્રક અને મેશ્વો બન્ને નદી વહે છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે નવા નીર આવતા પાણીનું વહેણ ખુબ હતુ જેના પગલે દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે બની રહેલ બ્રીજનું સ્ટ્રકચર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું.

ઘટના બાદ બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવશે

અચાનક ધસમસતું પાણી આવ્યું અને તેના કારણે ટેકા તૂટી પડ્યા હતા.આમ પાણીના પ્રવાહ સાથે બ્રિજનું સ્ટ્રકચર તણાતું હોય એવો વિડીયો સ્થાનિકોએ તેમના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.જોકે આ ઘટનાથી બ્રિજને કોઈ નુકસાન છે કે નહીં તે બ્રિજનો લોડ ટેસ્ટ અને સ્ટ્રેન્થના રિપોર્ટ બાદ બહાર આવશે. ત્યારે આ ઘટના બાદ સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે.

 આ પણ વાંચો : દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય, મંદિરના શિખર પર હવે દરરોજ છ ધ્વજા ચડશે

Back to top button