ખેડા સિરપકાંડમાં પોલીસે સમગ્ર રાજ્યમાં 3271 સ્થળો પર દરોડા પાડ્યા, 22 લોકોની અટકાયત
ખેડા, 3 ડિસેમ્બર 2023: નડિયાદના બિલોદરા અને બગડુ ખાતે આયુર્વેદિક સિરપ પીવાથી થયેલા પાંચ લોકોના મૃત્યુને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે રાઉન્ડઅપ કરેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. બીજી તરફ પોલીસે હવે નડિયાદના ત્રણ અને વડોદરાના બે સહિત પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાયા બાદ સિરપનો જથ્થો પકડવા માટે સમગ્ર રાજ્યમાં 3271 સ્થળો પર દરોડા પાડ્યા હતાં.
સિરપ વેચનારા 22 લોકોની અટકાયત કરાઈ
પોલીસે સમગ્ર રાજ્યમાં દરોડા પાડીને આયુર્વેદિક સિરપ કાલ મેઘાસવાનો જથ્થો જપ્ત કરીને વેચાણ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરી છે. પોલીસે રાજ્યમાં 3271 સ્થળો પર દરોડા પાડતાં સિરપ વેચનારાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં 67 આરોપીઓ સામે 12 FIR દાખલ કરી છે. જેમાં રાજ્યભરમાંથી સિરપ વેચનારા 22 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 92 લોકો સામે જાણવા જોગ ફરિયાદ નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
SITની રચના કરવામાં આવી છેઃ ખેડા SP
DySP ની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. કિશોર અને ઈશ્વર બંને યોગેશ સિંધી નામના વ્યક્તિ પાસેથી સિરપ લાવીને કરીયાણાની દુકાનમાં વેચાણ કરતા હતા. વડોદરાનાં 2 લોકો પાસેથી દિવાળી પહેલા સિરપ મંગાવી હતી. મિથેનોલ આલ્કોહોલ લેબ ટેસ્ટ સેમ્પલમાં મળી આવ્યા છે. સિરપમાં મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું હતું. યોગેશ અને વડોદરાનાં 2 લોકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. સિરપનું મેન્યુફેક્ચરિંગ ક્યાં કરવામાં આવ્યું છે તેની તપાસ ચાલી રહી છે. જીલ્લાની તમામ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ખેડા સિરપકાંડનો રેલો બિલોદરાથી વડોદરા પહોંચ્યો, પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરાયો