ખેડા જિલ્લાનું કનીજ બન્યું ૧૦૦% “નળ સે જળ” યુક્ત ગામ
- વાસ્મો યોજના અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું કનીજ ગામ બન્યું ૧૦૦% “નળ સે જળ” યુક્ત ગામ
ખેડા, 22 ડિસેમ્બરઃ “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાનું કનીજ ગામ સંપૂર્ણપણે નળ સે જળ-યુક્ત ગામ બન્યું છે. નળ સે જળ કાર્યક્રમ દ્વારા સમગ્ર ભારતમાં તમામ ઘરે પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, અને તે અનુસંધાને સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પેયજળ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત વ્યક્તિદીઠ નિયમિત રીતે ઓછામાં ઓછું ૧૦૦ લીટર પીવાલાયક પાણી ગ્રામ્ય વિસ્તારોમાં મળતું થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુળભૂત ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતોને અને ગામના લોકોને પોતાના ગામની આંતરિક પાણી પુરવઠા યોજના સંભાળી શકે તથા ગામમાં સ્વચ્છતાલક્ષી ટેવો વિકસાવવાનો છે. ગુજરાતભરના ગામડાના લોકો પેયજળ બાબતે અને સ્વચ્છતાની સુવિધાઓનું વ્યવસ્થાપન કરવા માટે જાતે પગલાં લઇ શકે તે રીતે આ કાર્યક્રમનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ હેઠળ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામમાં વાસ્મો યોજના હેઠળ ગામમાં ૧૦૦% ઘરોમાં નળ થી જળ આવી પહોંચ્યું છે. કનીજ ગામમાં ૨,૦૦,૦૦૦ લીટરની પાણીની ટાંકી, સોમેશ્વર લાટમાં ૧,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી, મોટી ભાગોળમાં ૧,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી વાસ્મો યોજના અંતર્ગત બનાવવામાં આવી છે. જેથી ગામમાં છેવાડાના ફળિયા સુધી નળ થી જળ પહોંચ્યું છે.
ગામના નાયબ સરપંચ ભૂપેન્દ્રસિંહ જાદવ જણાવે છે કે, કનીજ ગામમાં પહેલા સિમેન્ટની પાઈપલાઈન હતી અને જો પાઈપલાઈનમાં કચરો આવે કે લીકેજ થાય તો ગામમાં પાણી બંધ રહેતું હતું. પણ આજે વાસ્મો યોજના હેઠળ સમગ્ર ગામમાં પીવીસી પાઈપલાઈન ગામમાં દરેક ગ્રામવાસીઓના ઘરે લગાવવામાં આવી છે. તેમજ ગામમાં આ ત્રણ મોટી પાણીની ટાંકી બનવાથી આમારું ગામ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ગામમાં ખેતી માટે રોજિંદા જીવન માટે પાણી ખૂબ જરૂરિયાત રહે છે. અને ગામ લોકો પણ પાણીની કિંમત જાણે છે. તેથી આ ગામમાં પાણીનો બગાડ પણ લોકો કરતા નથી.
ગામના રહેવાસી શિલ્પાબેન ગુર્જર જણાવે છે કે, પહેલા અમે શાળાએ ભણતા ત્યારે અમને શિખવાડવામાં આવ્યું હતું કે “જળ એ જ જીવન”. નાના હતા ત્યારથી જ ૮-૧૦ કિ.મી. દૂર પાણી ભરવા જવું પડતું હતું. જો કોઇ કારણસર બીમારી આવે તો ઘરના વડીલોને આ સમસ્યાનો સામનો કરતા હતા. પાણીની સમસ્યાના કારણે કેટલાક લોકો શહેર તરફ સ્થળાંતર કરી ચૂક્યા છે. અમે એક સમયે આ ગામ છોડી દેવાનું વિચાર્યું હતું. પણ અમને સરપંચ દ્વારા જાણવા મળ્યું કે ગામમાં ૨,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી બનવાની છે. જેથી કનીજ ગામના રહેવાસીઓને પાણીની તકલીફ રહેશે નહિ. ગામમાં ૨,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી બની અને ગામમાં પાણી પણ આવી ગયું ત્યારે તકલીફ થોડી ઓછી થઈ. પણ આજે ગુજરાત સરકાર, ખેડા જિલ્લા પંચાયત, સરપંચ અને વાસ્મોના સહયોગથી ગામમાં ત્રણ પાણીની ટાંકી છે. કનીજ ગામમાં ૧૦૦% ઘરોમાં નળ થી જળ આવે છે. ગામમાં પીવાનું શુદ્ધ પાણી દિવસમાં બે વાર આવે છે. જેનાથી સૌ ગ્રામવાસીઓ માટે મોટી રાહત થઈ છે.
ઉલ્લેખનીય છે કે જલ જીવન મિશન અંતર્ગત ખેડા જીલ્લાના તમામ ઘરોમાં વ્યકિતગત નળ જોડાણો દ્વારા શુઘ્ઘ અને પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જીલ્લાના કુલ ૩૧૬ ગામોની યોજના બનાવીને આશરે ૧,૫૦,૦૦૦ જેટલા નળ કનેક્શનો આપીને ખેડા જિલ્લામાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી છે. હાલ ખેડા જીલ્લાને વર્ષ-૨૦૨૨માં ૧૦૦ ટકા નળ કનેકશન ધરાવતો જીલ્લો જાહેર કર્યો છે.
આ પણ વાંચોઃ ત્રણ નવા ફોજદારી કાયદાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં શું ફેર પડશે, જાણો