ગુજરાત

દસાડામાં પીવાના પાણીના ટાંકી બાદ બોરનું ખાતમૂર્હુત; પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે

Text To Speech

સુરેન્દ્રનગરઃ પાછલા ઘણા સમયથી પીવાના પાણી માટે ઝઝુમતા દસાડામાં પીવાના પાણીના ટાંકી બાદ બોરનું પણ ખાતમુહુર્ત કરાતા પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે. જેમાં અગાઉ દસાડામાં પીવાના પાણીની ટાંકી માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ.3.50 લાખ ફાળવાયા હતા. જ્યારે મંગળવારના રોજ આજ રોજ દસાડા ટાંકીચોકમાં નવા બોરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.

દસાડામાં 10,000ની વસ્તી સામે 1973માં બનાવાયેલી એક લાખ લિટરની ટાંકી ભૂંકપની કારમી થપાટ સામેં ક્ષતિગ્રસ્ત થવાની સાથે ચારે બાજુથી લિકેજ થતાં પડું પડું થવાની સંભાવના ઉભી થઇ હતી. આથી આ અત્યંત જર્જરીત ટાંકી પાસેના રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાનિ અને ખુમારી સર્જાવાની આશંકા સર્જાઇ હતી. ત્યારે દસાડાની આ ક્ષતિગ્રસ્ત એક લાખ લિટરની જગ્યાએ નવી મંજૂર કરાયેલી 2 લાખ લિટરની ટાંકી માટે લોકફાળાના ભરવાના થતા રૂ. 3.50 લાખ દસાડા ગ્રામ પંચાયત ભરી શકવા અસમર્થ થતા આ યોજના અભરાઇએ ચઢાવી દેવામાં આવી હતી.

ત્યારબાદ દસાડા-લખતર વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ પોતાની ગ્રાન્ટમાંથી 3.50 લાખ નવી ટાંકીના લોકફાળા માટે મંજૂર કરાતા દસાડા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. આજે મંગળવારના રોજ દસાડા ટાંકીચોકમાં નવા બોરનું ખાતમુહુર્ત દસાડા ગ્રામ પંચાયતના સરપંચ ત્રિકમભાઇ સોલંકી, ઉપ સરપંચ ફારૂકખાનજી મલિક, બસીરખાન મલિક અને અયુબભાઇ ખોખર સહિતના ગામ આગેવાનોએ દિનેશભાઇ મહારાજ સાથે સર્વધર્મ પ્રાર્થના કરી નવા બોરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. ત્યારે દસાડામાં પીવાના પાણીના ટાંકી બાદ નવા બોરનું પણ ખાતમુહુર્ત કરાતા પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે.

Back to top button