ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ખેતીની ખરીફ ઋતુ પૂરી, જાણો કેટલું વાવેતર નોંધાયું

Text To Speech
  • આ વર્ષે ૫૮.૦૪ લાખ ટનનો રેકોર્ડબ્રેક પાક થવાનો અંદાજ
  • વિવિધ મુખ્ય ૨૦ પાકોની વાવણી કરવામાં આવી છે
  • તુવેર, ડાંગર, શાકભાજીનું વાવેતર પણ આઠ ટકા જેટલું વધ્યું છે

ગુજરાતમાં અર્થતંત્ર પર વ્યાપક અસર કરતી ખેતીવાડીની મુખ્ય, ખરીફ ઋતુ કૃષિ વિભાગ દ્વારા પૂર્ણ જાહેર કરાઈ છે અને સીઝનમાં વાવેતરના જાહેર કરાયેલા ફાઈનલ આંકડા મૂજબ રાજ્યમાં ૮૪,૮૮,૭૮૪ હેક્ટરમાં વિવિધ મુખ્ય ૨૦ પાકોની વાવણી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે ૨૩.૭૧ લાખ હે.જમીનમાં કપાસ અને ૧૯.૦૮ લાખ હેક્ટરમાં મગફળીનો પાક લેવાયો છે.

આ વર્ષે ૫૮.૦૪ લાખ ટનનો રેકોર્ડબ્રેક પાક થવાનો અંદાજ

આ પૂર્વે કૃષિવિભાગ દ્વારા ખરીફ પાકના ઉત્પાદનના આપેલા અંદાજા મુજબ મગફળીના વાવેતરમાં ૯ ટકાના વધારા સાથે ગત વર્ષે ૪૬.૪૬ લાખ ટન સામે આ વર્ષે ૫૮.૦૪ લાખ ટનનો રેકોર્ડબ્રેક પાક થવાનો અંદાજ છે. જ્યારે સોયાબીનનું વાવેતર નોર્મલ કરતા ૨૭ ટકા વધ્યું છે અને તેનું પણ ૫.૫૨ લાખ ટન જેટલું વિક્રમી ઉત્પાદન થશે. જ્યારે કપાસનું વાવેતર આંશિક ઘટયું છે જેનું એક સમયે ૧૦૦ લાખ ગાંસડીએ પહોંચ્યા બાદ આ વર્ષે ૯૫ ટકાથી વધુ વાવેતર સાથે ખરીફ સીઝનનું ૮૮.૩૧ લાખ ગાંસડીનો અંદાજ છે. આ ઉપરાંત તુવેર, ડાંગર, શાકભાજીનું વાવેતર પણ આઠ ટકા જેટલું વધ્યું છે, અને બાજરી, મકાઈ, મઠ, દિવેલા વગેરે મુખ્ય પાકોનું ઉત્પાદન પણ જળવાઈ રહેવાના અંદાજો છે.

શિયાળામાં મૌસમ અનુકૂળ રહે તો ખેડૂતો રવિ પાક સારો લઈ શકે તેવી આશા

રાજ્યમાં ગત વર્ષે ૩૮ ઈંચ વરસાદ વરસ્યો હતો જે નોર્મલ ૧૦૦ ટકા સામે ૮ ટકા વધારે હતો. જ્યારે આ વર્ષે અનેક તાલુકાઓમાં અતિશય વૃષ્ટિ થઈ છે જેના કારણે વાવેતર ૯૯.૧૮ ટકાએ ગત વર્ષ જેટલું જળવાઈ રહ્યું છે પણ વધારો થયો નથી. પરંતુ, જળાશયોમાં આજની તારીખે ૯૬.૮૨ ટકાનો જળસંગ્રહ છે અને આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ૧૬૨ ડેમો તો છલોછલ છે, જેના પગલે શિયાળામાં મૌસમ અનુકૂળ રહે તો ખેડૂતો રવિ પાક સારો લઈ શકે તેવી આશા છે.

Back to top button