- હાલમાં 50 ટકા વાવણી પુરી કરી દેતા ખેડૂતો
- રાજ્યમાં વાવેતર 40 લાખ હેક્ટરને પાર
- ગત વર્ષે કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશખુશાલ થયા છે. બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. આ સિવાય ગુજરાતના સત્તાવાર ચોમાસાના પ્રારંભે ગત અઠવાડિયાથી રાજ્યભરમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે તેવું ચિત્ર હાલમાં સર્જાયું છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે. કૃષિ વિભાગના આંક મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 40 લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે.
કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું
કૃષિ વિભાગના આંક મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.07 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
રાજ્યમાં સૌથી વધુ તેલીબિયાં પાકનું વાવેતર
કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબિયાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલીબિયાં પાકનું વાવેતર થઈ ચૂક્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 11.02 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. આ વર્ષે તેલીબિયાં પાકના વાવેતરમાં આશરે 4 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના મુખ્ય તેલીબિયાં પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળીનું આ સમયગાળા દરમિયાન 10.14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતર વિસ્તારમાં આશરે 3 લાખ હેક્ટર જેટલો વધારો નોંધાતા કુલ 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.
કપાસના વાવેતરમાં 5 લાખ હેક્ટરનો વધારો
ગુજરાત કપાસના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ કુલ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 15.26 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે 5 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.