ખાલિસ્તાનીઓએ હદ વટાવી, તિરંગો સળગાવી- ગૌમુત્ર છાંટ્યું
- ખાલિસ્તાનીઓ હવે હદ વટાવી રહ્યા છે, લંડનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનીઓએ ભારતીય રાષ્ટ્રધ્વજને સળગાવ્યો હતો અને તેના પર ગૌમૂત્ર છાંટ્યું હતું.
ખાલિસ્તાનીઓ ભારતના વિરોધમાં તમામ હદો પાર કરી રહ્યા છે, 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારત વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન તેઓ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા અને ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતા. એટલું જ નહીં, માહિતી સામે આવી છે કે આ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાની સંગઠન દલ ખાલસા યુકે સાથે જોડાયેલા ગુરચરણ સિંહે ભારતીય રાષ્ટ્રધ્વજને આગ લગાવી દીધી હતી. આ સિવાય ભારતીય રાષ્ટ્રધ્વજ પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેણે બ્રિટિશ પીએમ ઋષિ સુનકને પણ પડકાર ફેંક્યો અને બ્રિટિશ ગાયનું મૂત્ર પીને પ્રદર્શન કરવા કહ્યું.
મળતી માહિતી મુજબ, ગુરચરણ સિંહને પોલીસે સ્થળ પરથી હટાવી દીધા હતા, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે તેની ધરપકડ કરવામાં આવી કે છોડી દેવામાં આવ્યો. તો બીજી બાજુ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા પણ આ સમયે ત્યા હાજર જ હતો. જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલ છે. તેણે ભારતને પડકાર ફેંક્યો હતો. ખાલિસ્તાનીઓનું આ પ્રદર્શન એ ઘટના પછી થયું જ્યારે ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ યુકેમાં બ્રિટિશ હાઈ કમિશનર વિક્રમ દુરાઈસ્વામીને ગ્લાસગોના ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા.
ભારતે કડક કાર્યવાહીની માંગ કરી:
ભારતે આ મામલે બ્રિટિશ સરકારને ફરિયાદ કરી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલા પરમજીત સિંહ પમ્મા લાંબા સમયથી NIAના રડાર પર છે અને ખાલિસ્તાની ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. જ્યારે ગુરચરણ સિંહ દલ ખાલસા યુકે સાથે સંકળાયેલા છે. આ સંગઠનની કડીઓ ગુરપતવંત સિંહ પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ સાથે પણ જોડાયેલી છે. એટલું જ નહીં આ તમામ લોકો લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન સાથે પણ જોડાયેલા છે. આ કારણે ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપવામાં ISIની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
આ દરમિયાન અમેરિકાએ ખાલિસ્તાનીઓના પ્રદર્શન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે અમે આવા બિન-સત્તાવાર જનમત પર કંઈ કહેવાના નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ અને આ વાત અમેરિકી બંધારણમાં પણ લખેલી છે. કોઈપણ વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે ભેગા થઈને પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચી ગયો દેકારો