આતંકી પન્નુએ પ્લેનને ઉડાવી દેવાની આપી ધમકી, આંતરરાષ્ટ્રીય મુસાફરોને કહ્યું: ભારતની યાત્રા ન કરો
- ગુરપતવંત સિંહ પન્નુ દરરોજ કોઈને કોઈ ઉશ્કેરણીજનક નિવેદન આપતો રહે છે
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઇન્સને 100થી વધુ ધમકીઓ મળી છે. આ ધમકીઓ વચ્ચે હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આજે સોમવારે ભારતના વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે. પન્નુએ કહ્યું છે કે, શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાના વિમાન પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયાની મુસાફરી ન કરે.
ભારત દ્વારા તે આતંકવાદી જાહેર
શીખ ફોર જસ્ટિસ સંસ્થાની સ્થાપના કરનાર પન્નુ દરરોજ કોઈને કોઈ ઉશ્કેરણીજનક નિવેદન આપતો રહે છે. ખાલિસ્તાનના નામે લોકોને ભડકાવવાના કારણે ભારત ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી માને છે. તેના પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે ઉશ્કેરવાનો આરોપ છે.
વર્ષ 2020માં, તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. શીખ ફોર જસ્ટિસની સમાન વિચારધારા હોવાથી તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે SFJનું કન્ટેન્ટ બનાવતી અને દર્શાવતી ઘણી YouTube ચેનલો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પન્નુ હવે ભાગેડુ છે અને તેણે અમેરિકામાં આશરો લીધો છે, ઉપરાંત તેની પાસે કેનેડાની નાગરિકતા પણ છે.
ગુરપતવંત સિંહ પન્નુએ ભારતમાં આતંકવાદી ઘટનાઓની જવાબદારી લીધી છે. એપ્રિલ 2023માં એક વીડિયોમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની આસામની મુલાકાત દરમિયાન ધમકી આપી હતી. જૂન 2023માં, પન્નુ બે મહિનામાં અન્ય ત્રણ અગ્રણી ખાલિસ્તાની નેતાઓના મૃત્યુ પછી છુપાઈ ગયો હતો. તેઓ ધર્મ આધારિત અલગ રાજ્ય પંજાબ અને ભારતના કેટલાક પાડોશી પ્રદેશોની હિમાયત કરે છે, જેને ખાલિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ જૂઓ: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 3 પ્રવાસી મજૂરોની હત્યા