પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની નવી પાર્ટીના નામની જાહેરાત
પંજાબ, 4 જાન્યુઆરી, 2025: આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક શ્રી ખડૂર સાહિબના અપક્ષ સાંસદ અમૃતપાલ સિંહ અને ફરીદકોટ સંસદીય ક્ષેત્રના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસાએ તેમની નવી પાર્ટીના નામની જાહેરાત કરી છે. આજે શનિવારે સાંસદ સરબજીત સિંહ ખાલસાએ જાહેરાત કરી કે, તેમની નવી પાર્ટીનું નામ “શિરોમણી અકાલી દળ આનંદપુર સાહિબ” હશે, જેની ઔપચારિક જાહેરાત 14 જાન્યુઆરીએ મુક્તસરમાં માઘી મેળામાં યોજાનાર પંથ બચાવો-પંજાબ બચાવો સંમેલનમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પંજાબને બચાવવા માટે નવા રાજકીય પક્ષની રચના જરૂરી છે. શ્રી ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ ખાલસા અને તેમના પરિવારના સમર્થન સાથે આ નવા રાજકીય પક્ષ દ્વારા પંજાબને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે.
અમૃતપાલ સિંહના પિતા તરસેમ સિંહનું કહેવું છે કે, પંજાબ ડ્રગ્સના દલદલમાં ધકેલાઈ રહ્યું છે, ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે, ખેડૂતોના મુદ્દા છે અને જેલમાં રહેલા શીખોની મુક્તિનો મુદ્દો પણ છે. અમે આ તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશું.
પંજાબના અધિકારો માટે લડાઈ લડવામાં આવશે: સાંસદ
સાંસદ સરબજીત સિંહ ખાલસાએ કહ્યું કે, તેમની નવી પાર્ટી શિરોમણી અકાલી દળ આનંદપુર સાહિબમાં પંજાબના ધાર્મિક વિચાર અને સારા ચરિત્ર ધરાવતા લોકોને સામેલ કકરવામાં આવશે, જેઓ પંજાબને બચાવવા માંગે છે. તેમણે કહ્યું કે, આ નવી પાર્ટીનો ઉદ્દેશ્ય પંજાબના લોકોને વધુ એક વિકલ્પ આપવાનો છે.
પંજાબમાં રાજકીય હલચલ
અમૃતપાલ જૂથની નવી પાર્ટીની જાહેરાત બાદ પંજાબના રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન અમૃતપાલ પંજાબની શ્રી ખડૂર સાહિબ સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. તે દરમિયાન અમૃતપાલે શ્રી ખડૂર સાહિબ બેઠક પરથી 404,430 મત મેળવ્યા હતા. અમૃતપાલે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરા પાસેથી 197,120 મતોથી ચૂંટણી જીતી હતી. જે પંજાબની લોકસભા સીટો પર કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત હતી. હાલમાં સાંસદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે.
આ પણ જૂઓ: દિલ્હી ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી જાહેર, જાણો કોણ કેજરીવાલ સામે ચૂંટણી લડશે