ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા! ભિંડરાવાલેના પોસ્ટરો પણ લહેરાયા, જાણો કારણ

  • ઘણા શીખ સંગઠનો દ્વારા આજે ખાલસા માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી, અમૃતસર બંધનું પણ એલાન આપ્યું

અમૃતસર, 6 જૂન: પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં આજે ગુરુવારે સવારે કેટલાક લોકોએ ખાલિસ્તાની નારા લગાવ્યા હતા અને ખાલિસ્તાન જરનૈલ સિંહ ભિંડરાવાલેના પોસ્ટર પણ લહેરાવ્યા હતા.  1984માં “ઓપરેશન બ્લૂ સ્ટાર”ની આજે 40મી વર્ષગાંઠ હોવાને કારણે શીખ સમુદાયના કેટલાક લોકોએ આ સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટરો લહેરાવ્યા હતા. બ્લુ સ્ટારની વરસી નિમિત્તે આજે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ઘણા શીખ સંગઠનોએ પણ આજે સાંજે જ ખાલસા માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. જેને જોતા અમૃતસર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. એટલું જ નહીં અનેક સંગઠનોએ આજે ​​અમૃતસર બંધનું પણ એલાન આપ્યું છે. તેની અસર રહેવાની શક્યતા છે.

 

સ્થિતિ વણસવાની સંભાવનાને પગલે પોલીસે તમામ જરૂરી તૈયારીઓ કરી 

સ્થિતિ વણસવાની સંભાવનાને જોતા પોલીસે તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે. પંજાબ પોલીસના તમામ તાલીમ કેન્દ્રોમાંથી 2000 પોલીસકર્મીઓને અમૃતસર બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સરહદી વિસ્તારના જિલ્લા અમૃતસર દેહાટી, તરનતારન, બટાલા, ગુરદાસપુર અને પઠાણકોટથી પણ પોલીસ દળોને અમૃતસર બોલાવવામાં આવ્યા છે. સુવર્ણ મંદિર તરફ જતા માર્ગો પર પોલીસે કડક ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. હકીકતમાં, ઓપરેશન બ્લુ સ્ટારની વરસી પર નારા લગાવવાને કારણે વાતાવરણ બગડે તેવી ભીતિ સેવાઇ છે.

 

જેલમાં બંધ ખાલિસ્તાની અને ઈન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર પણ ચુંટણી જીત્યા 

સિવિલ ડ્રેસમાં શીખ પોલીસ કર્મચારીઓને હરમંદિર સાહિબ પરિક્રમા અને અકાલ તખ્ત સાહિબની આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ SGPC ટાસ્ક ફોર્સની સાથે ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ખડૂર સાહિબ બેઠક પરથી જેલમાં બંધ ખાલિસ્તાની અમૃતપાલ સિંહ 1.5 લાખ વોટથી જીત્યા છે. આ સિવાય પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના હત્યારા બિઅંત સિંહના પુત્ર સરબજીત સિંહ ખાલસા પણ ફરીદકોટ બેઠક પરથી જીત્યા છે. આ પરિણામો રાજ્યમાં સાંપ્રદાયિક રાજકારણનો ઉદય સૂચવે છે.

‘ઓપરેશન બ્લુ સ્ટાર’ શું હતું, જેના પર શીખ સંગઠનો નારાજ છે?

ઉલ્લેખનીય છે કે, જરનૈલ સિંહ ભિંડરાનવાલેના નેતૃત્વમાં અલગતાવાદીઓએ અલગ પંજાબની માગણી કરીને સુવર્ણ મંદિરમાં આશ્રય લઈને તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારને પડકાર ફેંક્યો હતો. સુવર્ણ મંદિરમાંથી અલગતાવાદીઓને ભગાડવા માટે કેન્દ્ર સરકારે 1984માં 1 જૂનથી 6 જૂન સુધી લશ્કરી કાર્યવાહી કરવી પડી હતી, જેને ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ નામ આપવામાં આવ્યું હતું. 6 જૂને સેનાએ સુવર્ણ મંદિરમાં ઓપરેશન હાથ ધરીને ઘણા આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ સમયગાળા દરમિયાન સુવર્ણ મંદિરને પણ ઘણું નુકસાન થયું હતું. ઘણા લોકો માર્યા પણ ગયા હતા. જેની વર્ષગાંઠ દર વર્ષે 6 જૂને ઉજવવામાં આવે છે.

આ પણ જુઓ: ઉત્તરાખંડ: ટિહરીના સહસ્ત્રતાલમાં ગુમ થયેલા ટ્રેકર્સમાંથી 9ના મૃત્યુ, 13નું રેસ્ક્યૂ

Back to top button