શાકાહારી ગ્રાહકને ચિકન પીરસવું પડ્યું મોંઘુ, KFCને 12,000 રૂપિયાનો ભરવો પડશે દંડ
ચંદીગઢ, 11 ઓગસ્ટ: પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢના સેક્ટર 35માં સ્થિત KFC રેસ્ટોરન્ટ પર 12,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટે ભૂલથી શાકાહારી ગ્રાહકને ચિકન પીરસ્યું હતું. ગ્રાહક રાજેશ ગુપ્તાએ KFC રેસ્ટોરન્ટ વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. રાજેશ ગુપ્તાની ફરિયાદ સાંભળીને કોર્ટે રેસ્ટોરન્ટ પર દંડ ફટકાર્યો છે.
વેજ ક્રિસ્પરને બદલે નોન-વેજ મોકલ્યું
કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે રાજેશ ગુપ્તા અને તેની પત્ની સેક્ટર 23Dના રહેવાસી છે. બંને KFCના નિયમિત ગ્રાહકો છે. રાજેશની પત્ની બ્રાહ્મણ પરિવારની છે અને શુદ્ધ શાકાહારી છે. 3 મે, 2023ના રોજ રાજેશે પોતાના માટે ચિકન બકેટ અને તેની પત્ની માટે વેજ ક્રિસ્પરનો ઑનલાઈન ઓર્ડર આપ્યો હતો. જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે તેની પત્નીએ વેજ ક્રિસ્પર ખાવાનું શરૂ કર્યું. પહેલી બાઈટ લેતા જ તેને લાગ્યું કે તેનો સ્વાદ અલગ છે. બાદમાં તેમને ખબર પડી કે તે ચિકનથી ભરેલું હતું.
કોર્ટે 12 હજારનું વળતર ચૂકવવાનો આદેશ
આ પછી, જ્યારે બંનેએ રેસ્ટોરન્ટમાં ફરિયાદ કરી તો તેઓએ તેમની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કરવાનું શરૂ કર્યું. આ પછી તેમણે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. કોર્ટે કહ્યું કે KFCની ઓનલાઈન સેવા બેદરકારીભરી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે એક વાત સ્પષ્ટ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ સેવા આપતી વખતે બેદરકારી દાખવતું હતું. કોર્ટે કેએફસીને માનસિક વેદના અને મુકદ્દમાના ખર્ચ માટે પીડિતને 12,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: એનસીપી સાંસદ સુપ્રિયા સુલેનો ફોન હેક થયો, પોલીસ ફરિયાદ નોંધાવી