ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળ બ્લાસ્ટ : સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા બદલ 54 કેસ નોંધાયા

  • કેરળ બ્લાસ્ટ સમયે ભડકાઉ પોસ્ટ કરનારાઓ સામે પોલીસે કરી કાર્યવાહી 
  • પોલીસ દ્વારા મલપ્પુરમ જિલ્લામાં સૌથી વધુ 26 કેસ નોંધવામાં આવ્યા
  • ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ એર્નાકુલમમાં 15 તો તિરુવનંતપુરમમાં 5 કેસ થયાં

તિરુવનંતપુરમ : કેરળના કોચીમાં કલામસેરી નજીક એક ખ્રિસ્તી પ્રાર્થના સભામાં થયેલા વિસ્ફોટો થયાં બાદ આ સમયે ભડકાઉ પોસ્ટ કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા દ્વારા સાંપ્રદાયિક ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા માટે પોલીસે 54 કેસ નોંધ્યા છે. જેમાં સૌથી વધુ 26 કેસ મલપ્પુરમ જિલ્લામાં નોંધાયા છે, ત્યારબાદ એર્નાકુલમમાં 15 અને તિરુવનંતપુરમમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે થ્રિસુર અને કોટ્ટયમમાં બે-બે કેસ નોંધાયા છે, તો પથાનમથિટ્ટા, અલપ્પુઝા, પલક્કડ અને કોઝિકોડ ગ્રામ્યમાં એક-એક કેસ નોંધાયો છે.”

 

પોલીસે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, “તેઓએ અસંખ્ય નકલી પ્રોફાઇલ્સની ઓળખ કરી છે જેનો ઉપયોગ ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શેર કરવા માટે કરવામાં આવે છે જે સાંપ્રદાયિક નફરતને ઉત્તેજિત કરી શકે છે.” ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ(ટ્વિટર), વ્હોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી નકલી પ્રોફાઇલના IP એડ્રેસને ઓળખવા માટે પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે અને રાજ્યમાં સાયબર સેલ આવા હેન્ડલ્સને ઓળખવા માટે ચોવીસ કલાક કાર્યરત છે તેમ જણાવવામાં આવ્યું છે.

રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) દ્વારા થયાં હતા વિસ્ફોટો

અગાઉ, કેરળ પોલીસે જણાવ્યું હતું કે, પ્રાર્થના સભામાં વિસ્ફોટ રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) દ્વારા થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આરોપી પાસે IED બ્લાસ્ટ માટે ખરીદેલી વસ્તુઓના બિલ પણ છે. ઝડપાયેલા ડોમિનિક નામના આરોપીએ વિસ્ફોટ માટેનો જ્યાંથી પણ સામાન ખરીદ્યો હતો તે જગ્યાએ તેણે વીડિયો બનાવ્યો હતો.

કોચી પોલીસે સોમવારે ફેસબુક પર પોસ્ટ કરેલા સ્વ-નિર્મિત કબૂલાતના વીડિયોના આધારે માર્ટિનની ધરપકડ કરી હતી, જેમાં આરોપી દ્વારા કલામસેરીના ઝમરા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં થયેલા વિસ્ફોટોની જવાબદારી સ્વીકારવામાં આવી હતી જ્યાં ખ્રિસ્તી સંપ્રદાયના 2,000 થી વધુ અનુયાયીઓ પ્રાર્થના સભા માટે એકઠા થયા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજયને આ મામલાની તપાસ માટે 20 સભ્યોની તપાસ ટીમની જાહેરાત કરી હતી.

આ પણ જુઓ :કેરળ બોંબ વિસ્ફોટના ભેદભરમ અને થયો ખુલાસો આ ચિંતાજનક સત્યનો

Back to top button