મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટઃ અભિનેતા-નેતા સહિત અનેક વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ
તિરુવનંતપુરમ, 29 ઑગસ્ટ, 2024: જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. ઘણી અભિનેત્રીઓએ અભિનેતા-નિર્દેશકો અને ફિલ્મ ઉદ્યોગની મોટી હસ્તીઓ પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે, જેની સાથે ઈન્ડસ્ટ્રીમાં #Meeto 2.O ની શરૂઆત થઈ છે. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ બાદ આ મામલે અત્યાર સુધીની આ ત્રીજી FIR છે. એક અભિનેત્રીની ફરિયાદના આધારે જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના ધારાસભ્ય મુકેશ એમ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી મીનુ મુનીરે ઘણા વર્ષો પહેલા મુકેશ એમ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
SITએ અભિનેત્રીનું નિવેદન લીધું
કેરળ પોલીસે ગુરુવારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, કોલ્લમ મતવિસ્તારના સીપીઆઈ(એમ) ધારાસભ્ય, અભિનેતા મુકેશ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. પોલીસે એ પણ કહ્યું કે એ જ અભિનેત્રીની ફરિયાદ પર અભિનેતા જયસૂર્યા વિરુદ્ધ કલમ 354 હેઠળ બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે. એસઆઈટીએ ગઈકાલે (બુધવારે) અભિનેત્રીનું નિવેદન લીધું છે.
મીનુ મુનીરે આ કલાકારો પર આક્ષેપો કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, મીનુ મુનીરે અભિનેતા મુકેશ એમ, જયસૂર્યા, મણિયનપિલા રાજુ અને ઇદવેલા બાબુ પર ફિલ્મ પ્રોજેક્ટ્સમાં સહયોગ દરમિયાન શાબ્દિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. એએનઆઈ સાથે વાત કરતા, મુનીરે વિવિધ પ્રકારના શોષણનો આરોપ લગાવતા તેમના અનુભવોની વિગતો આપી. તેણે દાવો કર્યો કે “એકવાર, જ્યારે હું વૉશરૂમમાંથી બહાર આવી રહી હતી, ત્યારે જયસૂર્યાએ મને પાછળથી પકડી લીધી અને મને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો.. તે પછી, ઇદવેલા બાબુએ મારી સાથે સેક્સ કરવા કહ્યું,”.
આ અભિનેતા સામે પણ ખુલાસો કર્યો
મુનીરે મનિયનપિલા રાજુ સાથેની વાતચીતનો ખુલાસો પણ કર્યો. ડિરેક્ટર રંજીથ અને અભિનેતા સિદ્દીકીએ તેમની વિરુદ્ધ અલગ-અલગ આરોપોને પગલે એસોસિયેશન ઑફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ્સ (એએમએમએ) માં તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યા પછી તરત જ આ આરોપો આવ્યા છે. મુનીરે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલા ગેરવર્તણૂકનો ખુલાસો કર્યો હતો.
મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ઈન્ડસ્ટ્રીની ઘણી મહિલા કલાકારો આગળ આવી અને ઘણા નિર્દેશકો અને કલાકારો પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો. હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ રિપોર્ટ બાદ કોઈ હાઈપ્રોફાઈલ વ્યક્તિ વિરુદ્ધ આ ત્રીજી FIR છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ગરીબ લોકોની સેવા માટે રસ પુરી અને ખીચડીનું એલિસ બ્રિજના MLA દ્વારા વિતરણ