ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલનો ED કસ્ટડીમાંથી બીજો આદેશ: હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓ મળતી રહે

  • CM કેજરીવાલ EDની કસ્ટડીમાં હોવા છતાં દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત: આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ

નવી દિલ્હી, 26 માર્ચ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED કસ્ટડીમાંથી પોતાનો બીજો નિર્દેશ જારી કર્યો છે. આજે મંગળવારે, તેમણે દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, લોકોને હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં મફત દવાઓ મળતી રહે અને તેમના તબીબી પરીક્ષણો પણ સરળતાથી થાય. આ અંગેની માહિતી ખુદ સૌરભ ભારદ્વાજે આપી છે. તેમણે કહ્યું છે કે, “મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાગે છે કે તેઓ EDની કસ્ટડીમાં હોવાને કારણે લોકોની મુશ્કેલીઓ ન વધે. મને ખબર નથી કે અરવિંદ કેજરીવાલ કઈ માટીના બનેલા છે કે EDની કસ્ટડીમાં હોવા છતાં તેઓ દિલ્હીના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. તેમણે મને મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓ અને ટેસ્ટ આપવાનું ચાલુ રાખવાનો તેમજ સતત હોસ્પિટલોની મુલાકાત લેતાં રહેવાનો આદેશ આપ્યો છે. તેમનો આદેશ મારા માટે ભગવાનના આદેશ જેવો છે “

 

કેજરીવાલે પાણી-ગટર સમસ્યા અંગે પહેલો આદેશ આપ્યો હતો

દિલ્હીના દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી સરકાર ચલાવવાના તેમના દાવાના ભાગરૂપે 23 માર્ચે પોતાનો પહેલો આદેશ જારી કર્યો હતો. તેમણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણી અને ગટરની સમસ્યાને ઉકેલવા માટે જળ મંત્રી આતિશી માર્લેનાને સૂચના આપી હતી. અરવિંદ કેજરીવાલ તરફથી મળેલી સૂચનાઓ વિશે મીડિયાને માહિતી આપતાં આતિશીએ કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રીને ખબર પડી કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણી અને ગટર સંબંધિત ઘણી સમસ્યાઓ બહાર આવી રહી છે. તે આ અંગે ચિંતિત છે. તેમણે મને આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીનું માનવું છે કે, તેઓ જેલમાં હોવાને કારણે લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

ED દ્વારા કેજરીવાલની અટકાયત અંગેના સરકારી આદેશોની તપાસ 

આ દરમિયાન, EDએ રિમાન્ડ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જારી કરાયેલા સરકારી આદેશની નોંધ લીધી છે. EDએ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સી તપાસ કરી રહી છે કે કસ્ટડીમાં હોય ત્યારે મુખ્યમંત્રી દ્વારા આવી સૂચનાઓ જારી કરવી તે PMLA કોર્ટના આદેશના દાયરામાં આવે છે કે કેમ? કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલ મહત્ત્વના સરકારી દસ્તાવેજો પર સહી કરી શકશે? તે જેલમાં હોવાથી તેમણે જેલ મેન્યુઅલનું પાલન કરવું પડશે. તેમને જેલમાં પેન કે કાગળ આપી શકાય નહીં. કોર્ટના આદેશ અનુસાર, તે દરરોજ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે અડધો કલાક તેમની પત્ની અને અંગત સહાયકને મળી શકે છે, જ્યારે તે અડધો કલાક પોતાના વકીલોને મળી શકે છે.

CM અરવિંદ કેજરીવાલ 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય રાજધાનીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ 21 માર્ચે ED દ્વારા મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત ગેરરીતિઓમાં તેમની કથિત ભૂમિકાના સંબંધમાં ‘વિગતવાર અને સતત પૂછપરછ’ માટે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમને 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને જરૂર પડ્યે જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ દેશના પહેલા મુખ્યમંત્રી છે જેમની પદ પર રહીને ધરપકડ કરવામાં આવી છે.

આ પણ જુઓ: AAP આજે વડાપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કરશે, દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી

Back to top button