કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

કેજરીવાલનું ‘મિશન સૌરાષ્ટ્ર’ – એક વિકમાં બીજી વખત આવશે રાજકોટ, વેપારીને 5 વાયદા બાદ હવે નવું શું લાવશે તેની પર સૌની નજર!

Text To Speech

રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં બીજીવાર રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. કાલે સોમવારે રાજકોટની સંજયભાઈ રાજ્યગુરૂ કોલેજના કેમ્પસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 ફૂટની રૂદ્રાશના શિવલિંગની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે કરશે. સંધ્યા આરતી કર્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે રાજકારણના એપી સેન્ટર સૌરાષ્ટ્ર-રાજકોટને કેજરીવાલ નિશાન બનાવી રહ્યા છે.

ગીર સોમનાથમાં સભા ગજવશે

ઉલ્લેખનીય છે કે, કાલે સોમવારે અરવિંદ કેજરીવાલ પહેલા ગીર-સોમનાથ જશે. અહીં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં ગીરસોમનાથથી રાજકોટ આવવા રવાના થશે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના સૌરાષ્ટ્રમાં આંટાફેરા વધી રહ્યા છે.

કેજરીવાલ હજી તો પાંચ દિવસ પહેલાં જ રાજકોટ આવ્યા હતા

કેજરીવાલ હજી તો પાંચ દિવસ પહેલા જ રાજકોટ આવ્યા હતા. ત્યારે ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે GST પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે. આ સરકારે દૂધ, દહીં, છાશ પર GST લગાવ્યો, હવે તો હવા પર પણ GST વસૂલે તો નવાઈ નહીં!

વેપારીઓને 5 ગેરંટી આપી હતી

આ સાથે તેમણે વેપારીઓ અને ઉદ્યોગકારોને 5 ગેરંટી આપી હતી કે, જો અમારી સરકાર ગુજરાતમાં આવશે તો અમે તમને વચન આપીએ છીએ કે, આ પાંચ કાર્યો પહેલા કરીશું. જેમાં પ્રથમ તો ભયનું વાતાવરણ ખતમ કરીશું. નીડરતાથી વેપારી-ઉદ્યોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું. દરેક વેપારી-ઉધોગપતિને ઇજ્જત આપીશું. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. GSTના રિફંડ છ મહિનામાં આપીશું. GST અંગેની ગૂંચવણોને દૂર કરીશું અને વેપારી-ઉધોગપતિઓને ભાગીદાર બનાવીશું, તેમના સૂચનો લેશું અને સમસ્યાઓનો હલ કરીશું.

Back to top button