ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલનું એ દિલ્હી, જ્યાં પાણી માટે દરરોજ ડોલ અને બેડાં લઈને દોડવું પડે…

  • કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા શરૂ થતાં લોકોમાં જોવા મળ્યો ભારે રોષ
  • સોશિયલ મીડિયા પર ટેન્કરમાંથી પાણી ભરતા લોકોનો વીડિયો શેર કરીને લોકો દિલ્હી સરકારને કરી રહ્યા છે ટ્રોલ

દિલ્હી, 31 મે: ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારો કાળઝાળ ગરમીથી લોકો ત્રાસી ગયા છે. મહત્તમ તાપમાનના વર્ષો જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે અને આ કાળઝાળ ગરમીથી હવે લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. દેશની રાજધાનીમાં ગરમીની સાથે સાથે પાણીની પણ એક મોટી સમસ્યા લોકો માટે બની ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લોકોને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. ટેન્કર આવતાની સાથે જ લોકો ડોલ અને બેડાં લઈને ટેન્કર તરફ દોડી રહ્યા છે અને પાણી ભરી રહ્યા છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે લોકો પીવાના પાણી માટે પડાપડી કરી રહ્યા છે અને પીવાનું પાણી મેળવી રહ્યા છે.

લોકોને પાણી માટે રોજ ડોલ અને બેડાં લઈને દોડવું પડે…

ઘણા વિસ્તારોમાં લોકો પાણીના ટેન્કરો પાછળ ડોલ, બેડાં અને પાઈપો લઈને દોડતા જોવા મળી રહ્યા છે. પાણીના ટેન્કરને જોતાની સાથે જ લોકો તેના પર ધક્કો મારતા હોય તેવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. લોકો લાંબી લાઈનોમાં ઉભા છે. સંકટ એટલું મોટું છે કે દિલ્હી સરકારે ગુરુવારે ઈમરજન્સી બેઠક બોલાવવી પડી હતી. આ ઉપરાંત પાણીનો બગાડ કરવા પર પહેલાથી જ દંડ ફટકારવામાં આવ્યો છે.

દિલ્હીના ચાણક્યપુરીનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જૂઓ અહીં

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ભારે અછત વર્તાઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આવા અનેક વીડિયો લોકો શેર કરી રહ્યા છે અને દિલ્હી સરકારને ટ્રોલ કરી રહ્યા છે.

ગરીબોનું કોઈ સાંભળતું નથી: સ્થાનિક

પાણીની કટોકટી વિશે વાત કરતા કોલોનીના એક રહેવાસીએ કહ્યું, ‘આ એક મોટી સમસ્યા છે. એક ટેન્કર આવે છે અને વિસ્તાર ઘણો મોટો છે. આટલા મોટા વિસ્તારમાં એક ટેન્કરથી શું થાય? સરકારને બે વખત આવેદન આપ્યું છે, પરંતુ ગરીબોની વાત કોઈ સાંભળતું નથી. તેમણે કહ્યું કે તેઓ પાણી ખરીદીને પીવે છે અને ઘણી વખત પાણી ભરતી વખતે લોકોને ઈજા પણ થઈ રહી છે.

 

કેજરીવાલે ભાજપ પાસે માંગી મદદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જળ સંકટ પર કહ્યું, ‘આ વખતે સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે જેના કારણે સમગ્ર દેશમાં પાણી અને વીજળીની કટોકટી સર્જાઈ છે. આવી આકરી ગરમીમાં પાણીની માંગ ઘણી વધી ગઈ છે.

 

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘દિલ્હીને પડોશી રાજ્યોમાંથી જે પાણી મળતું હતું તે પણ ઓછું થઈ ગયું છે. એટલે કે માંગ ઘણી વધી અને પુરવઠો ઘટ્યો છે. આપણે સૌએ સાથે મળીને આનો ઉકેલ લાવવો પડશે. હું જોઉં છું કે ભાજપના મિત્રો અમારી સામે વિરોધ કરી રહ્યા છે. આનાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.’

કેજરીવાલે લખ્યું, ‘જો ભાજપ હરિયાણા અને યુપીની પોતાની સરકારો સાથે વાત કરે અને એક મહિના માટે દિલ્હીને થોડું પાણી પહોંચાડે તો દિલ્હીના લોકો ભાજપના આ પગલાની ખૂબ પ્રશંસા કરશે. આવી ભારે ગરમી કોઈના કાબૂ બહારની વાત છે. પરંતુ જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો લોકોને રાહત આપી શકીશું.

પાણીના બગાડ કરવા બદલ વસૂલવામાં આવે છે દંડ

દિલ્હીમાં જળ સંકટને ધ્યાનમાં રાખીને AAP સરકારે નિર્ણય લીધો હતો કે જલ બોર્ડે પાણીનો બગાડ રોકવા માટે 200 ટીમો તૈનાત કરી છે. આ ટીમો સવારે 8 વાગ્યાથી રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ વિસ્તારોમાં ફરશે અને પાણીનો બગાડ કરનારને 2000 રૂપિયાનું ચલણ આપશે. તેમજ ગેરકાયદેસર પાણીના જોડાણો કાપી નાખવામાં આવશે. કાર ધોઈને પાણીનો બગાડ કરનારાઓ સામે દિલ્હી જલ બોર્ડ કાર્યવાહી કરશે. તેમજ જો કોઈની પાણીની ટાંકી ઓવરફ્લો થતી જોવા મળશે તો તેનું ચલણ ઈશ્યુ કરવામાં આવશે. બાંધકામ કે કોમર્શિયલ હેતુ માટે ઘરેલું પાણી પુરવઠાનો ઉપયોગ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ચીને સિક્કિમ બોર્ડરથી માત્ર 150 કિમી દૂર J-20 સ્ટેલ્થ ફાઈટર જેટ્સ કર્યા તૈનાત, શું કરશે ભારત?

Back to top button