ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલે અમિત શાહને લખ્યો પત્ર, કાયદો-વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો

Text To Speech
  • કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર સરકારના હાથમાં હોવા છતાં દિલ્હી હવે ગુનાઓની રાજધાની બની ગઈ છે: અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, 14 ડિસેમ્બર:  દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે અને દિલ્હીના લોકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મુદ્દે અમિત શાહ સાથે મુલાકાત માટે કહ્યું છે. પૂર્વ CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દિલ્હીની કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર સરકાર હેઠળ છે. તેમ છતાં, દિલ્હી હવે ગુનાઓની રાજધાની બની ગઈ છે.”

 

‘હત્યા અને ખંડણી વસૂલાતમાં નંબર વન’

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ભારતના 19 મેટ્રો શહેરોમાંથી દિલ્હી મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં નંબર વન પર છે. હત્યાના મામલામાં દિલ્હી નંબર વન પર છે. દિલ્હીમાં ખંડણી ગેંગ સક્રિય છે અને ખુલ્લેઆમ પૈસા વસુલવાનો ધંધો ચલાવી રહી છે.”

અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, દિલ્હી એરપોર્ટ અને સ્કૂલોને ઈમેલ અને ફોન કોલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી રહી છે. ડ્રગ સંબંધિત ગુનાઓમાં 350 ટકા સુધીનો વધારો થયો છે. તેમણે પોતાના પત્રમાં એમ પણ કહ્યું કે, હું સમગ્ર દિલ્હીમાં લોકોની સુરક્ષાને લઈને ચિંતિત છું. આ દિશામાં અસરકારક પગલાં ભરવાની જરૂર છે.

ભાજપ સામે AAPનું વલણ કડક

હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપો ચરમસીમાએ છે. અરવિંદ કેજરીવાલ સહિતના AAP નેતાઓ આ મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

AAP નેતાઓનું કહેવું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને LG વિનય કુમાર સક્સેના દિલ્હીમાં લોકોને સુરક્ષા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે. દિલ્હીની જનતાએ સુરક્ષાની એક જ જવાબદારી ભાજપ અને કેન્દ્ર સરકારને સોંપી છે. કેન્દ્ર સરકાર લોકો માટે આ કામ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે.

આ પણ જૂઓ: ગુજરાતમાં દર્દીઓના હિતમાં નવો નિર્દેશ જારીઃ હોસ્પિટલ સંચાલકો આ બાબતે દબાણ નહીં કરી શકે

Back to top button