કેજરીવાલ કોર્ટમાં કહેશે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં છે, પુરાવા પણ આપશેઃ પત્ની સુનીતા
- કેન્દ્ર સરકારે દિલ્હીના કલ્યાણ માટે આપવામાં આવેલા સંદેશ પર પણ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધ્યો: સુનિતા કેજરીવાલ
નવી દિલ્હી, 27 માર્ચ: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDની કસ્ટડીમાં છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે કેજરીવાલ મુખ્યમંત્રી પદ છોડશે નહીં અને જેલમાંથી જ સરકાર ચલાવશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે આજે બુધવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોર્ટમાં કહેશે કે દારૂના કથિત કૌભાંડના પૈસા ક્યાં ગયા? પુરાવા પણ રજૂ કરશે. કેન્દ્ર સરકારે દિલ્હીના કલ્યાણ માટે આપવામાં આવેલા સંદેશ પર પણ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. સુનીતાએ ભાવુક સ્વરમાં કહ્યું કે, કેજરીવાલનું શુગર લેવલ સારું નથી. ઉલ્લેખનીય છે કે, સુનીતા અરવિંદ કેજરીવાલને મળવા માટે ગઈકાલે મંગળવારે ED ઓફિસ પણ ગયા હતા.
So called शराब घोटाले का पैसा कहाँ है, इसका ख़ुलासा कल कोर्ट में करेंगे CM अरविंद केजरीवाल। https://t.co/RCFIANbng6
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 27, 2024
અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે શું કહ્યું?
સુનીતા કેજરીવાલે કહ્યું કે, “ગઈકાલે મંગળવારે સાંજે હું જેલમાં અરવિંદ કેજરીવાલને મળવા ગઈ હતી. તેને ડાયાબિટીસ છે, શુગર લેવલ બરાબર નથી. પરંતુ નિશ્ચય મજબૂત છે. તેમણે આતિશીને સંદેશો મોકલ્યો છે કે દિલ્હીમાં પાણી અને ગટરની સમસ્યા દૂર થવી જોઈએ. શું ખોટું કર્યું કહો, લોકોની સમસ્યા દૂર થવી જોઈએ. આ બાબતે પણ કેન્દ્ર સરકાર દ્વારા AAPના મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. શું આ લોકો ઇચ્છે છે કે લોકો સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા રહે? આનાથી અરવિંદ કેજરીવાલ ખૂબ જ દુઃખી છે.
કથિત દારૂ કૌભાંડમાં EDએ 250થી વધુ દરોડા પાડ્યા: પત્ની સુનીતા
અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ વધુમાં કહ્યું કે, “અરવિંદ કેજરીવાલે મને એક વાત પણ કહી હતી કે આ કથિત દારૂ કૌભાંડમાં EDએ 250થી વધુ દરોડા પાડ્યા હતા. ED આ કથિત દારૂ કૌભાંડના પૈસાની શોધ કરી રહી છે. પરંતુ હજુ સુધી એક પણ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી. સંજય સિંહના સ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, મનીષજીના સ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, સત્યેન્દ્ર જૈનના સ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ એક પણ પૈસો મળ્યો નથી. તે (કેજરીવાલ) 28 માર્ચે કોર્ટ સમક્ષ આ કૌભાંડનો ખુલાસો કરશે, તે પુરાવા સાથે તેનો ખુલાસો કરશે.” પત્ની સુનીતાએ તેમના પતિને હિંમતવાન વ્યક્તિ ગણાવ્યા અને લોકોને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી. સીએમની પત્નીએ કહ્યું કે, “તેમણે (કેજરીવાલે) કહ્યું છે કે મારું શરીર જેલમાં છે, પરંતુ મારો આત્મા તમારી વચ્ચે જ છે. તમારી આંખો બંધ કરો અને મને તમારી વચ્ચે અનુભવો.”
કેજરીવાલે તેમની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી
કેજરીવાલની ધરપકડ બાદ આ બીજી વખત છે જ્યારે સુનીતા કેજરીવાલ મીડિયાની સમક્ષ આવ્યા છે. આ પહેલા તેમણે મીડિયા સમક્ષ જેલમાંથી કેજરીવાલનો મોકલેલો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. કેજરીવાલની ધરપકડ બાદ સુનીતા કેજરીવાલે પણ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો સંભાળ્યો અને ટ્વિટર પોસ્ટ દ્વારા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે, PMLA કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા હતા. કેજરીવાલે તેમની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી છે.
આ પણ જુઓ: અટલ પેન્શન યોજનાઃ નિર્મલા સીતારમણ અને જયરામ રમેશ વચ્ચે શબ્દ યુદ્ધ