EDના 7મા સમન્સ પર પણ કેજરીવાલ હાજર નહીં થાય, AAPએ કહ્યું : રોજ સમન્સ મોકલવાને બદલે..
- એક્સાઇઝ પોલિસી કૌભાંડનો આ મામલો કોર્ટમાં છે અને કોર્ટમાં તેની આગામી સુનાવણી 16 માર્ચે થશે
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં આજે પણ પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાં જશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ મામલો કોર્ટમાં છે અને કોર્ટમાં તેની આગામી સુનાવણી 16 માર્ચે થવાની છે. જેથી આ મામલે આમ આદમી પાર્ટી (AAP)એ નિવેદન જારી કર્યું છે. જેમાં આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, “રોજ-રોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.”
#WATCH | On Arvind Kejriwal skipping the 7th ED summons, AAP Minister Saurabh Bharadwaj says, ” ED approached the court after thinking properly, when ED themselves went to court, they should wait until the court order. The court has taken cognisance and has sent notice to Arvind… pic.twitter.com/MSe7A41cyY
— ANI (@ANI) February 26, 2024
અરવિંદ કેજરીવાલને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં તેમની સમક્ષ હાજર થવા માટે ED દ્વારા સાતમું સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ પહેલા પણ છ વખત સમન્સ જારી કર્યા બાદ પણ કેજરીવાલ પૂછપરછ માટે ED ઓફિસ ગયા ન હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલને 26 ફેબ્રુઆરીએ નાણાકીય તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
અગાઉ પણ છ સમન્સ દરમિયાન કેજરીવાલ પૂછપરછ માટે હાજર થયા નથી
અગાઉ ગયા સોમવારે પણ કેજરીવાલ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં EDના છઠ્ઠા સમન્સ પર હાજર થયા ન હતા. AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, “સમન્સ ગેરબંધારણીય હતું અને હાલમાં ED સમક્ષ હાજર થવાની કાયદેસરતા કોર્ટમાં તપાસ હેઠળ છે. રસપ્રદ વાત એ છે કે EDએ પોતે જ આ કેસને કોર્ટમાં લાવવાની પહેલ કરી છે. તેણે સતત સમન્સ જારી કરવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ જેથી યોગ્ય કાનૂની પ્રક્રિયા શરૂ થઈ શકે.”
સામાન્ય લોકો માટે ખોટું ઉદાહરણ સ્થાપિત થશે: ED
EDએ 31 જાન્યુઆરીએ પણ કેજરીવાલને સમન્સ જારી કર્યું હતું અને તેમને 2 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. AAP કન્વીનરને જારી કરવામાં આવેલું આ પાંચમું સમન્સ હતું. કેજરીવાલે પાંચમા સમન્સની અવગણના કર્યા બાદ ED કોર્ટમાં ગઈ હતી. નાણાકીય તપાસ એજન્સીની ફરિયાદમાં આરોપ છે કે કેજરીવાલ જાણીજોઈને સમન્સનું પાલન કરવા માંગતા નથી અને “બાલિશ બહાના” બનાવી રહ્યા છે. એજન્સીએ કહ્યું કે, ‘જો તેમના જેવા ઉચ્ચ પદે બિરાજમાન સરકારી વ્યક્તિ જ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તે સામાન્ય લોકો માટે ખોટું ઉદાહરણ સ્થાપિત કરશે.’
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનકારીઓએ રાજ્ય પરિવહનની બસ સળગાવી દીધી