કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર? ગોવાના પ્રવાસે જવાનો કાર્યક્રમ
- દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સની કેજરીવાલ વારંવાર કરી રહ્યા છે અવગણના
- લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા કેજરીવાલ ત્રણ દિવસની ગોવાની મુલાકાતે
નવી દિલ્હી, 18 ડિસેમ્બર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સની વારંવાર અવગણના કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે ED દ્વારા પૂછપરછ માટે મોકલવામાં આવેલા ત્રણ સમન્સને ગેરકાયદે ગણાવીને એજન્સી પાસે જવાની ના પાડી દીધી હતી. આ પછી, EDએ કેજરીવાલને ચોથું સમન્સ મોકલ્યું અને તેમને આજે એટલે કે 18 જાન્યુઆરીએ એજન્સી સમક્ષ હાજર થવા કહ્યું. જો કે એવું માનવામાં આવે છે કે, કેજરીવાલ આ વખતે પણ ED સમક્ષ હાજર નહીં થાય. કારણ કે કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા ત્રણ દિવસની ગોવાની મુલાકાતે જવાના છે. તેથી, તે ઇડી સમક્ષ હાજર થાય તેવી શક્યતા ઓછી છે.
દિલ્હી CM કેજરીવાલ જશે ગોવા?
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થાય તેવી શક્યતા ઓછી છે. તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા ત્રણ દિવસની ગોવાની મુલાકાતે જવાના છે. અગાઉ તેઓ 11 જાન્યુઆરીએ ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા ગોવાની બે દિવસીય મુલાકાતે જવાના હતા. જો કે તેણે અચાનક પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો. પાર્ટીએ કહ્યું હતું કે, કેજરીવાલે ગણતંત્ર દિવસની તૈયારીઓને કારણે તેમની ગોવાની મુલાકાત મોકૂફ કરી છે.
સમન્સ પર CM કેજરીવાલે શું કહ્યું?
ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર કેજરીવાલે કહ્યું છે કે, “કાયદા મુજબ જે પણ કરવાની જરૂર છે તે અમે કરીશું.” કેજરીવાલે EDના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. અગાઉના દિવસે, દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે આ વિષય પર સમાન અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ભારદ્વાજ સ્પષ્ટ છે કે, તેઓ કાયદા મુજબ અને વકીલોની સલાહ મુજબ કામ કરશે.
CM કેજરીવાલને શું ધરપકડનો ડર ?
EDએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ જારી કર્યા છે પરંતુ તેઓ હજુ સુધી ED સમક્ષ હાજર થયા નથી. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ED વોરંટ જારી કરી શકે છે અને કેજરીવાલને કસ્ટડીમાં લઈ શકે છે. AAPએ પણ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કર્યો છે. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, કેજરીવાલ જેલમાં જશે તો પણ તેઓ ત્યાંથી જ સરકાર ચલાવશે.
આ પણ જુઓ :બિલ્કિસ બાનો કેસઃ એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો શું છે માગણી?