અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત આવી પહોંચશે, છોટુ વસાવાની BTPની રેલીમાં થશે સામેલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એક મહિનાથી પણ ઓછા સમયમાં આજે શનિવારે સાંજે સુરત આવી રહ્યા છે. તેઓ પોતાના આ ગુજરાત પ્રવાસ દરમિયાન છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ની 1 મેના રોજ ભરૂચમાં યોજાનાર એક રેલીમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બીટીપી આમ આદમી પાર્ટીની સહયોગી પાર્ટી બની છે.
આપના નેતાઓના જણાવ્યા અનુસાર, કેજરીવાલ વસાવા સાથે રવિવારે મુલાકાત કરશે અને કેટલાક આદિવાસી નેતાઓને પણ ભરૂચ ખાતે મળવાના છે. જેનો હેતુ આ વર્ષના અંત સુધીમાં સંભવિત રીતે યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી માટે ઉજ્જવળ પરિણામો લાવવા માટેનો છે.
રવિવારે કેજરીવાલ બીટીપી ધારાસભ્ય છોટુ વસાવાના ઝઘડિયા ખાતેના નિવાસસ્થાનથી પોતાની ભરૂચ રેલીનો પ્રારંભ કરશે. જેમાં તેઓની સાથે છોટુ વસાવાના પુત્ર અને ધારાસભ્ય મહેશ વસાવા પણ જોડાશે. બંને પાર્ટીના આ નેતાઓ વચ્ચે જાહેર સભાને સંબોધતા પહેલા બંધબારણે બેઠક યોજાવાની સંભાવના પણ છે.
વસાવાના નિવાસસ્થાનેથી નીકળ્યા પછી કેજરીવાલ વાડિયા તાલુકાના ચંદેરિયા ગામની મુલાકાતે જશે જ્યાં યોજાનારા આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં તેઓ સામેલ થશે. આ મહાસંમેલનમાં ભરુચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં હાજરી આપીને કેજરીવાલ વસાવાના નિવાસસ્થાને પરત આવે અને બપોરનું ભોજન લેશે. તેના પછી તેઓ સ્થાનિક આદિવાસી નેતાઓને મળશે.
ત્યારબાદ રવિવારે સાંજે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે. એ પહેલા તેઓ પાર્ટી પદાધિકારીઓ-કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાના છે.
એક મહિનાથી ઓછા સમયમાં કેજરીવાલ બીજીવાર ગુજરાતની મુલાકાતે
અરવિંદ કેજરીવાલ આ અગાઉ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. એ મુલાકાતને હજુ એક મહિનો પણ થયો નથી ત્યાં ફરી બીજીવખત તેઓ ગુજરાતના પ્રવાસે શનિવારે આવી રહ્યા છે. તેઓ ગુજરાતમાં આદિવાસી સમુદાયના સહારે ચૂંટણીલક્ષી સમીકરણો સેટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
બંને વસાવા નેતાઓ કેજરીવાલને નવી દિલ્હીમાં 9 એપ્રિલે મળ્યા હતા અને આમ આદમી પાર્ટી સાથે બીટીપીના સહયોગનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ એ જ બીટીપી છે જે અનેક વર્ષો સુધી કોંગ્રેસની સહયોગી પાર્ટી રહી હતી.