ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શરાબ કૌભાંડમાં કેજરીવાલ જ મુખ્ય કાવતરાબાજ હોવાનો ઈડીની ચાર્જશિટમાં દાવો

Text To Speech

નવી દિલ્હી, 10 જુલાઈઃ ઈડીએ આજે દિલ્હીના શરાબ કૌભાંડમાં આરોપનામું દાખલ કર્યું છે. આ ચાર્જશિટમાં કુલ 38 આરોપીઓના નામ છે જેમાં કેજરીવાલનો 37મો નંબર છે.

કેજરીવાલ વિશે આ આરોપનામામાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. કુલ 38 આરોપીઓમાં કેજરીવાલનો નંબર 37મો છે અને 39મો નંબર આમ આદમી પાર્ટીનો છે.

આ ચાર્જશિટ મુજબ કેજરીવાલ જ મુખ્ય કિંગપિન અને કાવતરું ઘડનાર છે. આરોપનામામાં કહેવામાં આવ્યું છે કે, ગોવાની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના નાણાનો ઉપયોગ થઈ રહ્યો છે તેની કેજરીવાલને જાણકારી હતી અને તે પોતે તેમાં સામેલ હતા. આ ચાર્જશિટમાં કેજરીવાલ અને અન્ય આરોપી વિનોદ ચૌહાણ વચ્ચે થયેલી વૉટ્સએપ ચેટની વિગતો પણ આપવામાં આવી છે.

આ કૌભાંડમાં એવો આરોપ છે કે તેલંગણાના બીઆરએસ પક્ષના નેતા કે. કવિતાના અંગત સચિવ વિનોદ મારફત 25.5 કરોડ રૂપિયા ગોવાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આરોપનામામાં જે વૉટ્સએપ ચેટનો હવાલો આપવામાં આવ્યો છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિનોદ અને કેજરીવાલ વચ્ચે ઘણા સારા સંબંધ હતા.

ચાર્જશિટમાં ઈડીએ પ્રોસીડ ઑફ ક્રાઈમનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી વિનોદ ચૌહાણના મોબાઈલમાંથી હવાલા નોટ નંબરના ઘણા સ્ક્રિનશોટ મળ્યા છે. આ સ્ક્રિનશોટ અગાઉ આવકવેરા ખાતાએ પણ જપ્ત કર્યા હતા. આ સ્ક્રિનશોટ પરથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે વિનોદ ચૌહાણે પ્રોસીડ ઑફ ક્રાઈમ અર્થાત ગેરકાયદે રીતે મેળવેલી રકમ દિલ્હીથી ગોવા હવાલા દ્વારા પહોંચાડી હતી. આમ આદમી પાર્ટી દ્વારા એ નાણાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.

ઈડીની ચાર્જશિટમાં કહેવામાં આવ્યું છે કે, હવાલા દ્વારા ગોવા પહોંચેલા નાણાની ગોઠવણ ત્યાં ચનપ્રીત સિંહ કરતો હતો. હવાલા દ્વારા નાણા ગોવા મોકલવામાં આવ્યા તે અંગે વિનોદ ચૌહાણ તથા અભિષેક પિલ્લઈ વચ્ચે થઈ હતી તેના પણ પુરાવા ઈડી પાસે છે તેમ આરોપનામામાં કહેવામાં આવ્યું છે. અશોક કૌશિકના કહેવાથી અભિષેક બોઇંગ પિલ્લઈએ ચલણી નોટો ભરેલી બે બેગો અલગ અલગ દિવસે વિનોદ ચૌહાણને પહોંડી તેની વિગતો ઈડીએ આરોપનામામાં આપી છે.

ઈડીનું કહેવું છે કે, નાણાનો આ રીતે વ્યવહાર થયો તે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે કેવી ગેરકાયદે રીતે નાણા મેળવવામાં આવ્યા અને તેને સાઉથના જૂથ મારફત લાંચ સ્વરૂપે આમ આદમી પાર્ટીને પહોંચાડવામાં આવ્યા.

આ પણ વાંચોઃ WhatsApp યુઝર્સને અજાણ્યા ગ્રૂપમાં જોડાવાથી રોકવા માટે નવું સેફટી ફીચર લાવ્યું, જાણો

Back to top button