ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઈ રહી છે. ત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં મુલાકાત વધી રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પણ ગુજરાતનો પ્રવાસ વધી રહ્યો છે.
રવિવારે એટલે કે 3 જુલાઈના આપ નેતા અરવિંદ કેજરીવાલ અમદાવાદ બે દિવસ માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ચાલતા વીજળી આંદોલનમાં કેજરીવાલ જોડાઈ તેવી શક્યતા છે. તેઓ અમદાવાદ અથવા આસપાસના વિસ્તારમાં જાહેરસભા સંબોધી શકે છે. આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા અને મહેસાણામાં જંગી સભાને સંબોધન કર્યું હતું.
આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયા વિકનું 4 જૂલાઈથી 7 જૂલાઈ વચ્ચે આયોજનના ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ડિઝિટલ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ મુકવામાં આવનાર હોય ત્યારે આ કાર્યક્રમની તૈયારીઓને લઈને પણ જોરદાર ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રવાસ વધાર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચોમાસા પછી યોજાઈ શકે છે. તેવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે આપ નેતા સતત ગુજરાતમાં રોડ શો અને જનસભા સંબોધી રહ્યા છે. હાલમાં વીજળીના ભાવ અંગે આપ દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં ભાગ લેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે જેના દ્વારા તેઓ રાજ્ય સરકાર પર પ્રહાર કરવાનું ચૂકવા માંગતા નથી.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્ર અને શનિવાર માટે ગુજરાતના પ્રવાસે છે તે દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. તેમજ રથયાત્રામાં પણ તેમણે હાજરી આપી હતી.