ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી શરાબ નીતિ કેસમાં કેજરીવાલને ન મળ્યા જામીન, 3 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડી લંબાઈ

  • CM અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી બાદ 2 જૂને દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું

નવી દિલ્હી, 19 જૂન: દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજીની સુનાવણી આજે બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી જેમાં કોર્ટે કેજરીવાલની કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ ન્યાય વિંદુની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ED વતી ASG એસ.વી. રાજુ અને કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરી કોર્ટમાં હાજર રહ્યા હતા અને બંનેએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. વિક્રમ ચૌધરીએ કોર્ટને જણાવ્યું હતું કે, કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

 

સીએમ અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણીને કારણે 1 જૂન સુધી વચગાળાના જામીન પર બહાર હતા. આ પછી તેમને ફરીથી જેલમાં જવું પડ્યું હતું. આ કારણોસર, CM કેજરીવાલે 2 જૂને દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. આ પહેલા શરાબ નીતિ કેસમાં 2 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

 

નવી શરાબ નીતિ 2021માં લાગુ કરવામાં આવી હતી

દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ દિલ્હીમાં નવી શરાબ નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત દિલ્હીમાં 32 ઝોન બનાવવામાં આવ્યા હતા. દરેક ઝોનમાં વધુમાં વધુ 27 દુકાનો ખોલવાની હતી. આ સહિત 849 દુકાનો ખોલવાની હતી. નવી શરાબ નીતિમાં દિલ્હીની તમામ દારૂની દુકાનોને ખાનગી બનાવી દેવામાં આવી છે. અગાઉ રાજધાનીમાં 60 ટકા દારૂની દુકાનો સરકારી અને 40 ટકા ખાનગી હતી. નવી નીતિ લાવ્યા બાદ તેને 100 ટકા ખાનગી બનાવી દેવામાં આવી હતી. આ નીતિ લાગુ કરતી વખતે, સરકારે દલીલ કરી હતી કે, તેનાથી 3,500 કરોડનો નફો થશે પરંતુ બાદમાં આ નીતિ દિલ્હી સરકાર માટે જ આફત બની ગઈ.

આ મામલો 2022માં બહાર આવ્યો હતો

8 જુલાઈ 2022ના રોજ તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના અહેવાલ દ્વારા શરાબ નીતિ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ રિપોર્ટમાં નરેશ કુમારે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પછી દિલ્હીના LG વી.કે.સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી હતી. CBIએ 17 ઓગસ્ટ 2022ના રોજ લિકર પોલિસી કેસ નોંધ્યો હતો. આ પછી પૈસાની ગેરરીતિ પણ બહાર આવી અને તેના કારણે EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ નોંધ્યો હતો.

આ પણ જુઓ: આતંકી નિજ્જર કેનેડાની સંસદ ચમક્યો! ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું?

Back to top button