નેશનલ

રાહુલ ગાંધીની સજાને લઈને કેજરીવાલ થયા ગુસ્સે, સરકારને લઈને આપી દીધું મોટું નિવેદન

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી બે વર્ષની સજા બાદ ટ્વીટ કરીને આ નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. કેજરીવાલે તેને વિરોધ પક્ષોને ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. રાહુલની સજા બાદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, ‘ગેર-ભાજપ નેતાઓ અને પાર્ટીઓ પર કેસ ચલાવીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર છે. કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવ્યા તે યોગ્ય નથી. પ્રશ્નો પૂછવાનું કામ જનતા અને વિપક્ષનું છે. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ નિર્ણય સાથે અસંમત છીએ.

સજા સાથે જામીન મંજૂર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા 2019માં મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કેસમાં આજે સુરત કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે આ કેસમાં તેને તરત જ જામીન મળી ગયા હતા.

શું છે મામલો ?

2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા શુક્રવારે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો જાહેર કરવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ત્રણ વખત કોર્ટમાં હાજર થયો હતો. ઓક્ટોબર 2021માં પોતાનું નિવેદન નોંધવા કોર્ટમાં પહોંચેલા રાહુલે પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : હિંડનબર્ગનો હવે બીજો મોટો ધડાકો, હવે આ કંપનીને બનાવી નિશાન

Back to top button