ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલે દેશને આપી 10 ગેરંટી, જાણો દિલ્હી સીએમએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

  • દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણીને લઈને ઈન્ડી ગઠબંધનની સરકાર બનશે તો 10 ગેરંટીઓ આપવાની વાત કરી છે

દિલ્હી, 12 મે: લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીના સીએમ કેજરીવાલ પોતાની 10 ગેરંટી વિશે વાત કરી રહ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમણે આપેલી ગેરંટી વિશે જણાવી રહ્યા છે. કેજરીવાલે તેમની 10 ગેરંટી દ્વારા માહિતી આપી હતી કે 2024માં લોકસભામાં ઈન્ડી ગઠબંધન સરકાર ચૂંટાયા બાદ તેમની નીતિઓ દેશમાં પરિવર્તન લાવીને નાગરિકોને કેવી રીતે લાભ કરશે. તેમણે બાળકોના શિક્ષણ, યુવાનોને રોજગાર અને દેશના નાગરિકોને મફત સારવારની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે અમારી ગેરંટી મોદીજીની ગેરંટીથી સંપૂર્ણપણે અલગ છે અને અમે અગાઉ પણ અમારી ગેરંટી પૂરી કરી છે. તેમણે કહ્યું કે તેમની સરકારે દિલ્હી અને પંજાબમાં લોકોને આપેલી ગેરંટી પૂરી કરી છે અને આજે પણ તે આખા દેશ માટે કામ કરવા તૈયાર છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, “આજે અમે લોકસભા 2024 માટે ‘કેજરીવાલની 10 ગેરંટી’ જાહેર કરવા જઈ રહ્યા છીએ. મારી ધરપકડ થઈ હોવાથી ગેરંટી જાહેર કરવામાં મોડું થયું છે પરંતુ હજુ ચૂંટણીના ઘણા તબક્કા બાકી છે. મેં અત્યારે ઈન્ડી ગઠબંધનના બીજા સાથીદારો સાથે આ મુદ્દે ચર્ચા નથી કરી, પરંતુ હું ખાતરી આપું છું કે ઈન્ડી ગઠબંધન સત્તામાં આવતાની સાથે જ હું ખાતરી કરીશ કે આ ગેરંટી લાગુ કરવામાં આવશે.”

કેજરીવાલે આપી દેશને 10 ગેરંટી

ગેરંટી નંબર 1: દેશને 24 કલાક મફત વીજળી

કેજરીવાલે પોતાની પ્રથમ ગેરંટી ગણાવતા કહ્યું, “અમે આખા દેશમાં 24 કલાક વીજળીની વ્યવસ્થા કરીશું. દેશની સૌથી વધુ માંગ 2 લાખ મેગાવોટ છે અને અમારી પાસે 3 લાખ મેગાવોટ ઉત્પાદન કરવાની ક્ષમતા છે, પરંતુ નબળા મેનેજમેન્ટને કારણે જો વીજળી કાપવામાં આવે છે. ઈન્ડી ગઠબંધનની સરકાર બન્યા પછી દેશના તમામ નાગરિકોને મફતમાં વીજળી આપવામાં આવશે. દેશના દરેક ગરીબને 200 યુનીટ વિજળી મફતમાં આપવામાં આવશે. આ કામ માટે સવાલાખ કરોડ રુપિયાનું ખર્ચ આવશે જે અમારી સરકરા આપશે.”

ગેરંટી નંબર 2: સરકારી શાળાઓમાં સુધારો કરવાની સાથે બાળકોને મફત શિક્ષણ

કેજરીવાલની બીજી ગેરંટી એ છે કે દેશના દરેક બાળકને મફત શિક્ષણ આપવામાં આવશે. સરકારી શાળાઓનું સ્તર ખાનગી શાળાઓ જેવું કરવામાં આવશે. આ માટે દેશની તમામ સરકારી શાળાઓમાં વ્યવસ્થા પ્રથમ વર્ગની હશે. આ કામ કરવા માટે રૂ.5 લાખ કરોડ સુધીનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેનો અડધો ખર્ચ કેન્દ્ર સરકાર અને અડધો રાજ્ય સરકાર ઉઠાવશે.

ગેરંટી નંબર 3: દેશના તમામ નાગરિકોને મફત સારવાર

ત્રીજી ગેરંટી વિશે વાત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, “દેશભરમાં મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. અમે આ કામ દિલ્હીમાં કર્યું અને તે સંપૂર્ણ રીતે સફળ રહ્યું. આ ક્લિનિકમાં, ગરીબ અને અમીર બંનેની સારવાર સંપૂર્ણપણે મફત થશે. સારવારની ગુણવત્તા વિશ્વકક્ષાની હશે, આ સરકાર દરેક નાગરિકની સારવારની ખાતરી આપશે, આમાં કોઈપણ નીતિ કે યોજના લાગુ કરવામાં આવશે નહીં, દરેકને મફત સારવાર આપવામાં આવશે.

ગેરંટી નંબર 4: દેશની સુરક્ષા

આ ગેરંટી અંગે કેજરીવાલે દેશની જનતાને ખાતરી આપી છે કે તેઓ દેશની સુરક્ષાની જવાબદારી વધુ સારી રીતે નિભાવશે. આજે ચીને આપણા દેશ પર કબજો જમાવ્યો છે પણ ભાજપ સરકાર તેની વાત કરતી નથી. જેને જૂઓ તે દરેક આ વાત છુપાવી રહ્યા છે. અમારી સેના ખૂબ જ મજબૂત છે અને અમે ચીનના નિયંત્રણમાં રહેલી ભારતની તમામ જમીનને આઝાદ કરાવવા માટે કામ કરીશું. સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે અને રાજદ્વારી સ્તર પર પણ કામ કરવામાં આવશે.

ગેરંટી નંબર 5: અગ્નિવીર યોજના બંધ થશે

કેજરીવાલની પાંચમી ગેરંટી અગ્નવીર યોજનાને બંધ કરવાની છે. તેમણે કહ્યું કે અમારા યુવાનો પાસેથી ચાર વર્ષ સુધી સેવાઓ લેવામાં આવે છે અને ત્યારબાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણી સેના નબળી પડી રહી છે, તેથી આ યોજના બંધ કરવામાં આવશે. અત્યાર સુધી જોડાયેલા બાળકોને સેનામાં કાયમી નોકરી આપવામાં આવશે.

ગેરંટી નંબર 6: ખેડૂતોને MSP

પોતાની છઠ્ઠી ગેરંટી વિશે વાત કરતા સીએમ કેજરીવાલે કહ્યું, “જો જનતા તેમને ચૂંટીને કેન્દ્રમાં લાવશે તો સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ખેડૂતોને MSPના ભાવ આપવામાં આવશે. જેનો ખેડૂતોને ફાયદો થશે.”

ગેરંટી નંબર 7: દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશની જનતાને પોતાની સાતમી ગેરંટી વિશે જણાવતા કહ્યું કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો તેઓ દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે.

ગેરંટી નંબર 8: દરેક યુવાનોને રોજગાર, બેરોજગારી દૂર કરશે

કેજરીવાલની આઠમી ગેરંટી છે કે તેઓ એક વર્ષમાં દેશના યુવાનો માટે બે કરોડ નોકરીઓની વ્યવસ્થા કરશે. તમામ યુવાનોને સરકારી નોકરી માટે તૈયાર કરવામાં આવશે. ભરતી કરવામાં આવશે અને પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે લેવામાં આવશે.

ગેરંટી નંબર 9: ભ્રષ્ટાચાર ખતમ થશે

નવમી ગેરંટી આપતા સીએમ અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રને ખાતરી આપી હતી કે, “ભાજપનું વોશિંગ મશીન ચાર રસ્તા પર મુકવામાં આવશે અને ત્યાં તેને તોડી નાખવામાં આવશે. પ્રામાણિક લોકોને જેલમાં મોકલવા અને ભ્રષ્ટાચારીઓને રક્ષણ આપતી વર્તમાન એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવામાં આવશે.”

ગેરંટી નંબર 10: દેશનો વેપાર વધારશે

અરવિંદ કેજરીવાલે દેશના લોકોને 10મી ગેરંટી આપી છે કે, “દેશના ઉદ્યોગપતિઓને મદદ કરવામાં આવશે. ઈન્ડી ગઠબંધન સરકાર દેશના ઘણા મોટા ઉદ્યોગપતિઓને શક્ય તેટલી બધી મદદ કરશે અને દેશમાં તેમના વ્યવસાયને વિસ્તારવા પર ભાર મૂકશે. ઘણા મોટા વેપારીઓએ પોતાના ધંધા બંધ કરી દીધા છે અને તેઓ વિદેશ જતા રહ્યા છે. તેથી દેશને નુકસાન થઈ રહ્યું છે. GSTને PMLAમાંથી બહાર કાઢીને સરળ કરવામાં આવશે. ઈન્ડી ગઠબંધનની સરકારનો પ્લાન ચીનને પણ વ્યાપારમાં પાછળ મુકી દેશે.”

દિલ્હી સીએમની પ્રેસ કોન્ફરન્સ:

આ પણ વાંચો: MLA મિત્રના ઘરે પહોંચેલા અલ્લૂ અર્જુનને જોતા જ ફેન્સ ક્રેઝી, કેમ કરાયો કેસ દાખલ?

Back to top button