કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ગૂંજશે, બંનેના પત્ની ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે
ભાવનગર, 04 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત મોડમાં આવી ગયો છે. એક તરફ ક્ષત્રિયો સામે કરેલા નિવેદનને લઈને પુરૂષોત્તમ રૂપાલા સામે વિવાદ વધુ વકરી રહ્યો છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ગુજરાતમાં ગૂંજે તેવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન ગુજરાતમાં પ્રચાર માટે આવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા વાતચીત શરૂ કરવામાં આવી છે.
સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેન પ્રચાર માટે આવશે
ભાવનગર ખાતે ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની 26 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અરવિંદ કેજરીવાલના ધર્મ પત્ની સુનિતા કેજરીવાલ અને સોરેનના ધર્મ પત્ની કલ્પના સોરેન પ્રચાર માટે આવશે. ‘INDIA’ ગઠબંધનની બેઠકો પર બંનેને પ્રચાર કરાવાશે તે પ્રકારની રણનીતિ હાલ ઘડાઈ રહી છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યાં હતાં. તેમણે પણ ભાજપની સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યાં હતાં.
શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા
શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના બેંક ખાતા સિઝ કરવા મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે, ભાજપે આ 10 વર્ષમાં 82 અબજ 52 કરોડ રૂપિયા જેટલું દાન મેળવ્યું છે. તેમજ તે સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા સંપત્તિ બધું જ હોય જેથી તે પોતાનું ધાર્યું કરી શકે, આજે સત્તાના મદમાં કોંગ્રેસના ખાતા સિઝ કરી કોંગ્રેસ ચૂંટણી લડી ન શકે રૂપિયા વગર એવી સ્થિતિમાં મુકવા પ્રયાસ કર્યો પરંતુ અમો તો પણ ચૂંટણી લડીશું અને જીતીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કરી ઉમેદવાર ઉમેશ મકવાણા ને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.
આ પણ વાંચોઃદિલ્હીથી અમદાવાદ પહોંચેલા રૂપાલાએ કહ્યું, ક્ષત્રિય નેતાઓ સહિત તમામ સમાજનું સમર્થન છે