અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

કેજરીવાલના પત્નીએ બોટાદના રોડ શોમાં કહ્યું, મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવાયા

અમદાવાદ, 2 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ગયાં છે. લોકો વચ્ચે જઈને મત આપવા માટે અપીલ કરી રહ્યાં છે. રાજ્યમાં ભાજપ સામે INDIA ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ભાવનગર અને ભરૂચ બેઠક પર આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પ્રચાર માટે આવ્યાં છે. તેમણે બંને બેઠકો પર રોડ શો કરીને પ્રચાર કરતાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલને બળજબરીપૂર્વક જેલમાં ધકેલવામાં આવ્યાં છે. જનતા બધુ સમજી ગઈ છે અને વોટથી તેનો જવાબ આપશે.

ચાલુ તપાસમાં તેમને જેલમાં રાખવામાં આવ્યા છે
સુનીતા કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને મીડિયાને જણાવ્યું હતું કે, કેજરીવાલજીનો અવાજ લોકો સુધી ન પહોંચી શકે તે માટે આ લોકોએ બળજબરી તેમને જેલમાં રાખ્યા છે. પરંતુ દેશની જનતા સમજદાર છે. આ ઘટનાનો જવાબ વોટ દ્વારા આપશે. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ગુરૂવારે ગુજરાતના બોટાદમાં વિશાળ રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે, મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૈતરને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે જો તપાસ ચાલશે તો શું તેને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? ચાલુ તપાસમાં તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ સરમુખત્યારશાહી છે.

જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી
સુનીતા કેજરીવાલે વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દેશભક્ત છે, તેઓ આઈટી કમિશનર હતા. તેમને સમાજસેવા કરવી હતી એટલે તેમણે નોકરી છોડી દીધી હતી. મને પૂછ્યું હતું કે, તેમને સમાજસેવા કરવી છે કઈ વાંધો નથી. તેમણે અનેક વખત ઉપવાસ પણ કર્યા છે. તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. તેવામાં તેમની કિડની લીવરને નુકસાન થશે. દિલ્હીએ તેમને ત્રણ વખત સીએમ બનાવ્યા છે. તમે ગુજરાતમાં 5 ધારાસભ્યો આપ્યા છે. તેનો અવાજ તમારા સુધી ન પહોંચે તે માટે તેમને જેલમાં પુરવામાં આવ્યો છે પરંતુ તે સિંહ છે.

AAP ભરૂચ અને ભાવનગર બેઠક પર લડી રહ્યું છે
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન દિવસ છે. ત્યારે છેલ્લા અઢી દાયકાથી ગુજરાત ભાજપનો ગઢ છે. ગુજરાતમાં ભાજપની સીટ ઓછી કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા INDIA ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે મળીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટ પરથી પોતાની દાવેદારી નોંધાવી રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા લિકર સ્કેમમાં ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીની કમાન તેમના પત્ની સુનીતા કેજરીવાલને સંભાળી છે.

આ પણ વાંચોઃવડોદરા ચૂંટણી જંગ: જાણો વડોદરા લોકસભા બેઠકની પરિસ્થિતિ, કેવો રહ્યો છે ભૂતકાળ?

Back to top button