ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

જનતાના મુદ્દાઓ ઉઠાવનારાઓ પર કહેર, પાકિસ્તાનમાં માત્ર છ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં પત્રકારોની હત્યા..!

  • પાકિસ્તાનમાં માત્ર છ મહિનામાં સાત પત્રકારોની હત્યા નિપજાવાઇ
  • મોટાભાગની હત્યા નાના શહેરો અને નગરોમાં થઇ

ઇસ્લામાબાદ, 11 જુલાઈ : કલ્પના કરો કે જે દેશમાં સત્ય બહાર લાવનારાઓની હત્યા થઈ રહી છે ત્યાં સામાન્ય લોકોની શું હાલત હશે. તમે સાંભળીને ચોંકી જશો કે આ વર્ષ પસાર પણ નથી થયું અને ત્યાં જ પાકિસ્તાનમાં સાત પત્રકારોની હત્યા કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં પત્રકારોની હત્યા કરવામાં આવી છે.

જૂન મહિનામાં જિબ્રાનની હત્યા કરવામાં આવી હતી

સૌથી તાજેતરની ઘટનામાં જૂન મહિનામાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનિક પ્રેસ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ ખલીલ જિબ્રાનની હત્યા કરવામાં આવી હતી. જીબ્રાન કારમાં જઈ રહ્યો હતો ત્યારે બે લોકોએ તેના પર હુમલો કર્યો. આ બદમાશોએ પહેલા તેને કારમાંથી બહાર કાઢ્યો અને પછી ગોળી મારી દીધી. પત્રકારોની હત્યાની તપાસ કરતી સંસ્થા માટે કામ કરતા આદિલ જવાદે જણાવ્યું હતું કે પત્રકારોની હત્યાના સાતમાંથી ઓછામાં ઓછા ચાર કેસ તેમના કામ સાથે સંબંધિત હતા.

ગુનેગારોને બચાવવા માટે કરવામાં આવી રહ્યા છે હુમલા

મોટાભાગની હત્યા નાના શહેરો અને નગરોમાં થઇ છે, જ્યાં વ્યાવસાયિક પત્રકારોની ઓળખ વધારવામાં અને નાગરિક પત્રકારોને પ્લેટફોર્મ આપવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા સૌથી વધુ અનુભવાઈ છે. જાવાદે કહ્યું કે આ હુમલા ગુનેગારોને બચાવવા માટે કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : રીલ્સની રાણી ફરારઃ CIDની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પકડવા પોલીસ દોડતી થઈ

53માંથી માત્ર બે કેસમાં સજા

પ્રેસની સ્વતંત્રતાની હિમાયત કરનાર ફ્રીડમ નેટવર્કે કહ્યું કે 2012 થી 2022 વચ્ચે 53 પત્રકારોનો તેમના કામના કારણે જીવ ગયો. જ્યારે માત્ર બે કેસમાં જ ગુનેગારોને સજા આપવામાં આવી હતી. સોશિયલ મીડિયાના ઉદય અને મુખ્યપ્રવાહના પ્રેસ પર અંકુશને કારણે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં નાગરિક પત્રકારત્વનો નોંધપાત્ર વિકાસ થયો છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાની જવાબદારી સામાન્ય લોકોએ ઉપાડી છે.

મેના અંતમાં નસરુલ્લા ગદાનીની સિંધ પ્રાંતના બદીન જિલ્લામાં હત્યા નિપજાવાઇ હતી. જેના કારણે વિરોધનું મોજું ફરી વળ્યું હતું. તેના ભાઈ યાકુબ ગડાનીએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સાંસદ ખાલિદે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે ખાલિદે આ આરોપોને નકારી કાઢ્યા હતા. ગદાનીની હત્યાના માત્ર ત્રણ દિવસ પહેલા જ ઉત્તર વઝીરિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા જિલ્લામાં અન્ય પત્રકાર કામરાન દાવરની હત્યા કરવામાં આવી હતી.

સંપૂર્ણ અને પારદર્શક તપાસ થવી જોઈએ

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સના સેક્રેટરી જનરલ એન્થોની બેલેંગરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં પત્રકારો અને મીડિયા કર્મચારીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બંધારણીય અધિકાર છે. જો કે, લક્ષ્યાંકિત હુમલાઓ અને હત્યાઓને કારણે આ અધિકાર નબળો પડે છે. સત્તાવાળાઓએ ખાતરી કરવી જોઈએ કે મીડિયા ધાકધમકી વિના કામ કરવા માટે સ્વતંત્ર છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે આ હત્યાઓની તાત્કાલિક, સંપૂર્ણ અને પારદર્શક તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો : કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બેવડી કાર્યવાહી: ED અને લોકાયુક્ત દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા

Back to top button