

15 મે, બેંગલુરુ: ગઈકાલે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની મેચમાં દિલ્હીના વિજયથી RCBના IPL 2024ના પ્લેઓફ્સમાં પહોંચવાના સંજોગો વધુ ઉજળા થઇ ગયા છે. દિલ્હીની જીતે એ નક્કી કરી લીધું છે કે LSG હવે તેની બાકી બચેલી એક મેચ જીતે તો પણ RCBની આગળ નહીં જઈ શકે, જ્યારે દિલ્હીનો નેટ રનરેટ એટલો ખરાબ છે કે તેના પણ પ્લેઓફ્સમાં પહોંચવાના રસ્તા લગભગ બંધ થઇ ગયા છે.
આ રીતે RCB સામે IPL 2024ના પ્લેઓફ્સમાં રમવાથી કોઈ રોકી શકે છે તો તે છે ચેન્નાઈ સુપર કિંગ્સ. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોઈન્ટ્સ ટેબલ પર 6ઠ્ઠા નંબરે છે અને તેનો નેટ રનરેટ +0.387 છે. દિલ્હી કેપિટલ્સ 14 પોઈન્ટ્સ સાથે 5મા નંબરે છે અને તેનો નેટ રનરેટ -0.377 છે. દિલ્હી પોતાની તમામ 14 મેચો રમી ચુક્યું છે.
સન રાઈઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને છે અને તેને હજી બે મેચો રમવાની બાકી છે. તેનો નેટ રનરેટ +0.406 છે. ચેન્નાઈ 14 પોઈન્ટ્સ અને +0.528ના નેટ રનરેટ સાથે ત્રીજા સ્થાને છે.
RCB માટે બચેલા બે વિકલ્પો
પહેલી શરત: 18મી તારીખે પોતાના ઘરના મેદાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાનારી El Clasico મેચમાં તેણે કોઇપણ હિસાબે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવવાની છે. જો આ મેચ હારી ગયા તો RCB કોઇપણ હિસાબે ટોપ 4માં સ્થાન નહીં બનાવી શકે.
વિકલ્પ 1: RCB CSKને હરાવે પરંતુ તેમનો નેટ રનરેટ ચેન્નાઈ કરતાં ઓછો છે. તો બેંગલુરુ એમ ઈચ્છશે કે SRH તેની બાકીની બંને મેચો હારી જાય. હૈદરાબાદ તેની બાકીની બે મેચો અનુક્રમે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ સામે રમવાનું છે. જો તે આ બંને મેચો હારી જાય તો તે પણ 14 પોઈન્ટ્સ પર આવી જશે. આમ થવાથી જો RCB CSKને હરાવે તો તેમણે એટલું જ ધ્યાન રાખવું પડશે કે તેમનો નેટ રનરેટ SRHથી બહેતર રહે.
વિકલ્પ 2: કદાચ આ વિકલ્પ RCBના ફેવરમાં છે. જો SRH તેની બાકીની બંને મેચોમાંથી એક મેચ પણ જીતી જશે તો તે ક્વોલીફાય થઇ જશે. તો આવા સંજોગોમાં બેંગલુરુએ ફક્ત CSKને હરાવવા પર ધ્યાન આપવું પડશે. આ માટે જો ચેન્નાઈ સામેની મેચમાં RCB પહેલી બેટિંગ કરે છે તો તેણે CSK સામે 18 રને જીત મેળવવાની રહેશે. અને જો બેંગલુરુ બીજી બેટિંગ કરે છે તો ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલો કોઇપણ ટાર્ગેટ તેણે 18.1 ઓવર્સમાં મેળવી લેવાનો રહેશે.