‘પોતાના જ કર્મોનું ફળ…’ લદ્દાખમાં ચાર લોકોના મૃત્યુ પર કાશ્મીરી નેતાનું વિવાદાસ્પદ નિવેદન

શ્રીનગર/લેહ: 26 સપ્ટેમ્બર, 2025: Laddakh Protest: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. આ મામલે પીપલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ ગની લોને મૃતકો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
વિવાદાસ્પદ નિવેદન
હિંસામાં મૃત્યુ પામેલા લોકોને લઈને સજ્જાદ લોને કહ્યું કે ‘લદ્દાખના લોકો પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. મને લદ્દાખના ચાર લોકોના મોતથી દુઃખ છે, તેમની આત્માને શાંતિ મળે. હું કોઈ પણ જાતની આડકતરી વાત કર્યા વિના સત્ય કહેવા માંગુ છું. અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે તે પોતાના જ કર્યાનું ફળ છે. જેમ કોઈ વ્યક્તિ વિચાર્યા વિના કોઈ સોદો કરે છે, તો તેને પાછળથી પસ્તાવો થાય છે. 70 વર્ષો સુધી લદ્દાખે કાશ્મીરના લોકોને બદનામ કર્યા છે. તેઓ જે સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે, તેમની હાલત એક એવા ખરીદનાર જેવી થઈ ગઈ છે જે સોદો કર્યા પછી પસ્તાય છે. આ જ તેમના કર્મોનું ફળ છે.’
અનામત અને કાશ્મીર પર નિયંત્રણના મુદ્દા
જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું ત્યારે પોતે ખુશ હતા એમ કહીને લોને પોતાની ખુશીનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું, ‘અનામતના નામે તેઓ (લદ્દાખના લોકો) અમારી નોકરીઓ લઈ લેશે. તેઓ અમને પરેશાન કરશે. વળી, તેઓ અમારા લોકોને લદ્દાખમાં કામ પણ નહીં કરવા દે. તેમની પાસે હિલ કાઉન્સિલ છે, જ્યારે જમ્મુ-કાશ્મીર તરીકે અમારું તેમના પર કોઈ નિયંત્રણ જ નથી. લદ્દાખ એક ખૂબ નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં ફક્ત ચાર વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક છે, તેમ છતાં લદ્દાખ સમસ્યા ઊભી કરનારું છે. કેન્દ્ર સરકાર લદ્દાખનો ઉપયોગ કાશ્મીરીઓને પરેશાન કરવા માટે કરે છે.’
આંદોલન અને હિંસાનો માહોલ
ઉલ્લેખનીય છે કે, સરકારે લદ્દાખમાં થયેલી હિંસા માટે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચૂકને જવાબદાર ઠેરવ્યા છે. ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે આ એક પૂર્વઆયોજિત કાવતરું હતું. 10 સપ્ટેમ્બરે સોનમ વાંગચૂક અને લદ્દાખ એપેક્સ બોડીના 15 કાર્યકર્તાઓ ભૂખ હડતાળ પર બેઠા હતા. મંગળવારે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી.
આ પણ વાંચોઃ ચોથા નોરતે ગરબાની જમાવટ: અમદાવાદમાં મલ્હાર-પૂજા સહિત સેલેબ્સ રમ્યા ગરબે
આ પણ વાંચોઃ IAF સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા કોણ છે? MiG-21ને છેલ્લીવાર ઉડાવનાર વ્યક્તિ બનશે












