ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કાશ્મીરી પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને મલાલાની ઝાટકણી કાઢી

  • કાશ્મીરી પત્રકાર અને કાર્યકર્તા યાના મીરે બ્રિટિશ સંસદમાં સ્વયં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના અરીસો બતાવ્યો
  • હું મલાલા નથી, મારે ક્યારેય મારા દેશને છોડીને ભાગવું નહીં પડે: યાના મીર

યુકે, 23 ફેબ્રુઆરી: ભારત વિરૂદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાથી ક્યારેય ન થાકતા પાકિસ્તાનને ફરી એકવાર સણસણતો જવાબ મળ્યો છે. કાશ્મીરની પત્રકાર યાના મીરે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. બ્રિટિશ સંસદમાં પાકિસ્તાન પર નિશાન સાધતા યાના મીરે પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝાઈ સાથે પોતાની સરખામણીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ‘હું મલાલા નથી. હું મારા દેશમાં સુરક્ષિત છું.’ વધુમાં મીરે કહ્યું કે, ‘કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હું ત્યાં આઝાદ અને સુરક્ષિત છું.’ આ દરમિયાન તેમણે યુવાનોના વિકાસમાં ભારતીય સેનાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

જૂઓ અહીં વીડિયોઃ

કાશ્મીરી પત્રકાર અને કાર્યકર્તા યાના મીરને યુકેની સંસદ દ્વારા આયોજિત ‘સંકલ્પ દિવસ’માં સન્માનિત કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં વિવિધતાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ મીરને ડાયવર્સિટી એમ્બેસેડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રિટિશ સંસદ સહિત 100 થી વધુ જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. યાના મીર આટલેથી આટક્યા નહોતા. તેમણે બ્રિટનને પણ અરીસો બતાવ્યો હતો અને કહ્યું હતું કે તમારે તમારા દેશના મીડિયા (બીબીસી) દ્વારા કરવામાં આવતા કાશ્મીર અંગેના અપપ્રચારને પણ ખાળવો જોઈએ.

મારે મલાલાની જેમ દેશ છોડવાની જરૂર નથીઃ યાના મીર

  • બ્રિટિશ સંસદમાં મીરે ભારપૂર્વક કહ્યું કે તે મલાલા યુસુફઝાઈ નથી જેને આતંકવાદના જોખમને કારણે પોતાનો દેશ છોડવો પડે

તેણે કહ્યું, “હું મલાલા યુસુફઝાઈ નથી, કારણ કે હું મારા દેશ ભારતમાં આઝાદ અને સુરક્ષિત છું.” હું મારી માતૃભૂમિ કાશ્મીરમાં સુરક્ષિત છું જે ભારતનું અભિન્ન અંગ છે. મારે ક્યારેય ભાગીને તમારા દેશમાં આશરો લેવાની જરૂર નહીં પડે. હું ક્યારેય પણ મલાલા યુસુફઝાઈ નહીં બનું. મારા દેશ અને મારી માતૃભૂમિ કાશ્મીરને અત્યાચારોથી પ્રભાવિત કહીને બદનામ કરવાના મલાલાના કાવતરા સામે મને વાંધો છે. મને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેશનલ મીડિયાના આવા તમામ ટૂલકીટ સભ્યો સામે વાંધો છે, જેમણે ક્યારેય કાશ્મીરની મુલાકાત લેવાની તસ્દી લીધી નથી, પરંતુ જુલમની વાર્તાઓ ઘડતા રહે છે.”

 

મીરે વધુમાં કહ્યું, ‘હું તમને વિનંતી કરું છું કે ધર્મના આધારે ભારતીયોને વિભાજિત કરવાનું બંધ કરો. અમે તમને ક્યારેય આવું કરવા દઈશું નહીં. પસંદગીયુક્ત દુષ્પ્રચાર ફેલાવવાનું બંધ કરો. મને આશા છે કે અમારા દેશના ગુનેગારો જેઓ પાકિસ્તાન અને બ્રિટનમાં રહે છે તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયા અથવા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મંચ પર ભારતને બદનામ કરવાનું બંધ કરશે.’

આંતરરાષ્ટ્રીય મીડિયા પર નિશાન સાધતા યાના મીરે કહ્યું, “બ્રિટનના લિવિંગ રૂમમાંથી રિપોર્ટિંગ કરીને ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ બંધ કરો. આતંકવાદને કારણે કાશ્મીરની હજારો માતાઓ પોતાના બાળકો ગુમાવી ચૂકી છે. અમારો પીછો કરવાનું બંધ કરો. કાશ્મીરી લોકોને શાંતિથી જીવવા દો.”

આ પણ વાંચો: PM મોદી કાશીમાં અડધી રાત્રે CM સાથે રસ્તાનું નિરીક્ષણ કરવા નીકળ્યા

Back to top button