ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘કાશ્મીર પાકિસ્તાન નહીં બને…’ ગાંદરબલ આતંકી હુમલા બાદ ફારૂક અબ્દુલ્લાનો તીવ્ર પ્રતિભાવ

  • પાકિસ્તાનના શાસકો જો ખરેખર ભારત સાથે મિત્રતા કરવા માંગતા હોય તો તેઓ આ બધું બંધ કરે: ફારૂક અબ્દુલ્લા

શ્રીનગર, 21 ઓક્ટોબર: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે તે(આતંકી) લોકો અહીં આવે છે. અમે આ મામલાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચાલો આગળ વધીએ. આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકીએ છીએ. હું પાકિસ્તાનના શાસકોને કહેવા માંગુ છું કે જો તેઓ ખરેખર ભારત સાથે મિત્રતા કરવા માંગતા હોય તો તેઓ આ બધું બંધ કરે. કાશ્મીર પાકિસ્તાન નહીં બને, નહીં બને, નહીં બને.

ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું?

ફારુક અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, ઘણા ગરીબ મજૂરો રોજી કામાવવા કાશ્મીર આવે છે. આ બિચારાઓને રવિવારે આતંકીઓ મારી નાખ્યા. આ સાથે જ લોકોની સેવા કરતા અમારા એક ડોક્ટરની પણ આ નરાધમોએ હત્યા કરી નાખી. મને કહો કે, આવું કરવાથી આ આતંકીઓને શું મળશે? શું આનાથી અહીંયા પાકિસ્તાન બનશે? કૃપા કરીને અમને સન્માન અને પ્રગતિ સાથે જીવવા દો. ક્યાં સુધી તમે હુમલા કરતા રહેશો? તમે 1947થી શરૂઆત કરી. નિર્દોષોને માર્યા. શું પાકિસ્તાન બન્યું? પાકિસ્તાન 75 વર્ષમાં બન્યું નથી તો આજે કેવી રીતે બનશે? અલ્લાહ માટે તમારા દેશ તરફ જુઓ અને અમને અમારા ખુદા પર છોડી દો. અમે અમારું ભાગ્ય જાતે બનાવવા માંગીએ છીએ. અમે ગરીબોને ખતમ કરવા માંગીએ છીએ. જો આમ જ ચાલશે તો આગળ કેવી રીતે વધીશું?

હુમલો ક્યાં અને કેવી રીતે થયો?

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં સાત લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક સ્થાનિક ડોક્ટર અને સુરંગ પર કામ કરતા 6 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલાઓમાં, પાંચ બિન-સ્થાનિક હતા, જેમાં 2 અધિકારી વર્ગના અને 3 મજૂર વર્ગના હતા. NIAની ટીમ પણ આ કેસની તપાસ માટે ગાંદરબલ પહોંચશે.

આ હુમલામાં પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SKIMS)માં મોકલવામાં આવ્યા છે. આ હુમલો ગાંદરબલ જિલ્લાના સોનમર્ગમાં થયો હતો. હુમલા બાદ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. આતંકવાદી હુમલામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા અને એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, આતંકવાદી હુમલો રાત્રે લગભગ 8.30 વાગ્યે થયો હતો. આ સમયે તમામ કર્મચારીઓ ભોજન લેવા માટે મેસમાં એકઠા થયા હતા.

મેસમાં પહોંચેલા આતંકવાદીઓએ કર્યો ગોળીબાર 

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, જ્યારે કામદારો મેસમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે ત્રણ આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. કોઇ કંઇ સમજે તે પહેલા જ આતંકીઓ કૃત્ય કરીને ત્યાંથી ભાગી ગયા હતા. આતંકવાદીઓના ગોળીબારમાં બે વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.

આ પણ જૂઓ: આતંકી પન્નુએ પ્લેનને ઉડાવી દેવાની આપી ધમકી, આંતરરાષ્ટ્રીય મુસાફરોને કહ્યું: ભારતની યાત્રા ન કરો

Back to top button