નવી દિલ્હીઃ તહેવારની સીઝનમાં માર્કેટમાં રોનક જોવા મળે છે. દિવાળીની તૈયારીઓ વચ્ચે ગુરુવારે કરવા ચોથના વ્રતની ઉજવણી થઈ. આ પ્રસંગે સોની બજારમાં જોરદાર રોનક જોવા મળી. કોન્ફેડરશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) તેમજ ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના એક સંયુક્ત નિવેદનમાં કરવા ચોથી પહેલાં સોનાના વેચાણને લઈને માહિતી આપવામાં છે. તેમણએ કહ્યું કે જ્વેલર્સને ત્યાં કરવા ચોથના ઉપક્રમે શાનદાર વેપાર જોવા મળ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે આગામી મહિનાથી લગ્ન સીઝન શરૂ થવાની છે, ત્યારે અત્યારથી જ લોકો લગ્નના ઘરેણાં બુકિંગ કરાવી રહ્યાં છે.
કેટલાનો થયો વેપાર
CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ તેમજ AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોડાએ જણાવ્યું કરવા ચોથના દિવસે દેશભરમાં લગભગ 3 હજાર કરોડ રૂપિયાના ગોલ્ડ અને સોનાના ઘરેણાંનું વેચાણ થયું. ગત વર્ષે આ આંકડો લગભગ 2200 કરોડ રૂપિયા રહ્યો હતો. જો ગત વર્ષની સરખામણી આ વર્ષના ભાવની વાત કરીએ તો, આ વર્ષે સોનુ મોંઘુ છે. ગત કરવા ચોથની તુલનાએ આ વખતે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામે 3400 રૂપિયા વધુ છે. જો કે ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે અને તે કિલોએ 11 હજાર રૂપિયા સસ્તી છે.
ઓક્ટોબર-નવેમ્બરમાં માર્કેટમાં રોનક જોવા મળે છે
CAIT મુજબ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનુ લગભગ 48 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ખંડેલવાલા તેમજ અરોડાએ કહ્યું કે ઓક્ટોબર અને નવેમ્બરનો મહિનો સોના-ચાંદીના વેપાર માટે શુભ ગણાય છે. આ દરમિયાન તહેવાર અને પછી લગ્નની સીઝનને કારણે સોની બજારમાં રોનક જોવા મળે છે.
તહેવારની સીઝનમાં કિંમતમાં ઉછાળો
તહેવારની સીઝન આવતા જ સોનાની કિંમતમાં ઉછાળો આવે છે. ગત મહિને સોનાની કિંમત 49 હજાર રૂપિયા 10 ગ્રામ હતી, પરંતુ તહેવાર નજીક આવતા જ ગોલ્ડની કિંમતમાં તેજી આવી હતી. જો કે રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા બાદ ફેબ્રુઆરી 2022ના અંતથી ભારતમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. હાલ તે 50 હજાર રૂપિયાની આસપાસ છે.