ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

પાટણના સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ, રાજ્યમાંથી હજારો લોકો ઉમટ્યા

  • અર્પણ, તર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ એટલે કાર્તિકી પૂર્ણિમાનો મેળો
  • 26થી 28 નવેમ્બર દરમિયાન સિદ્ધપુરના કાત્યોક મેળામાં કલાકારો મનોરંજન પૂરું પાડશે : મંત્રી
  • કેબિનેટ મંત્રી દ્વારા નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું

પાટણ, 26 નવેમ્બર :  અર્પણ, તર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ એટલે કાર્તિકી પૂર્ણિમાનો મેળો. રવિવારે પાટણ જિલ્લાના સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂર્ણિમા મેળો 2023ને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેમજ ભારત સરકારના રેલવે વિભાગ તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સયુંકત ઉપક્રમે એલ.સી.૧૮૮ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું પણ કેબિનેટ મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેળાને ખુલ્લો મૂકતા સમયે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “તારીખ 26થી 28 નવેમ્બર સુધી સિદ્ધપુરના કાત્યોક મેળામાં કલાકારો મનોરંજન પૂરું પાડશે.”

patan melo

આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનીતાબેન, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, તાલુકા પંચાયત પ્રમુખ ગીરીબેન ઠાકોર, પૂર્વ પ્રમુખ નગરપાલિકા અજીત મારફતિયા, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના હોદ્દેદારો નંદાજી ઠાકોર સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે શું જણાવ્યું ?

patan melo

મેળાના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, “આજે સિદ્ધપુર માટે ગૌરવનો દિવસ છે. હજારો વર્ષથી ચાલતો ત્રણ નદી સાથેના સંગમનો સૌથી પવિત્ર મેળો સિદ્ધપુરના નદીના પટની અંદર ભરાય છે. મને આજે પણ યાદ છે પહેલાના સમયમાં અમે અહીં કાત્યોકના મેળામાં આવતા હતા તે સમયે લાકડાની ચકડોળ જોવા મળતી હતી;  અમે મિત્રો સાથે માટીથી બહુ આનંદ કિલ્લોલ કરતા હતા. સમયની સાથે પરિસ્થિતિ બદલાઇ છે.  ગુજરાત સરકાર દ્વારા મેળામાં આવનાર તમામ યાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. અહીં દિવસેને દિવસે  લોકોની શ્રદ્ધા  વધતી જાય છે. નગરપાલિકાની ટીમ દ્વારા સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે તે બદલ હું પૂરી નગરપાલિકાની ટીમને ધન્યવાદ આપું છું.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આપણે ભાગ્યશાળી છીએ કે સિદ્ધપુરની પવિત્ર ભૂમિમાં જન્મ થયો છે. અહીં લાખો લોકોનો ઉદ્ધાર થઈ રહ્યો છે. પિતૃઓના શ્રાદ્ધ માટે લાખોની સંખ્યામાં લોકો સરસ્વતી નદીકાંઠે આવે છે. અહીં દીવો મૂકે છે જ્યારે આપણે ઉપર જઈએ છીએ ત્યારે એ આપણને પ્રકાશ પૂરો પાડે છે એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધપુરની પવિત્ર ભૂમિથી સ્વર્ગ એક વેંત દૂર છે. મેળામાં યાત્રીઓને મનોરંજન મળી રહે, ધાર્મિક સાતત્ય જળવાઈ રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિદ્ધપુરના આ મેળા દરમિયાન કલાકારો મનોરંજન પૂરું પાડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સિદ્ધપુર અદભૂત રીતે શણગારેલું છે આપણે પણ આપણા નગરનું નામ વધે તે અનુરૂપ કાર્ય કરીને શ્રદ્ધા સાથે મેળાની મજા માણીએ.

patan melo

કેબિનેટ મંત્રીએ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું પણ કર્યું લોકાર્પણ

સિદ્ધપુરની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ ઉપરાંત શહેરમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “સિદ્ધપુરમાં નગરજનો માટે સારી વ્યવસ્થાઓ થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેના ભાગરૂપે સારી વ્યવસ્થાઓ ભેટ સ્વરૂપે મળી રહી છે. પહેલાંના સમયમાં સિદ્ધપુરમાં એક પણ પુલ નહોતો ત્યારે બિંદુ સરોવર કે એસ.ટી. બસ સ્ટેન્ડ જોડે ફાટક પાસે ટ્રાફિકના લીધે 20 મિનિટ જેટલું ઊંભું રહેવું પડતું હતું. આવા સંજોગોમાં નગરપાલિકા પ્રમુખ તરીકે  ભૂતકાળમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખીને  ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં આશરે 1133મી લાંબો અને 36 કરોડના ખર્ચે બનીને નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ પુલ નગરજનોની ટ્રાફિકને લગતી સમસ્યાઓ હલ કરશે ઉપરાંત આ રેલવે ઓવરબ્રિજથી નગરજનોની સુખાકારીમાં વધારો થશે.

આ પણ જાણો : ભુજ: તંત્ર દ્વારા રાત્રિસભા યોજાઈ, 1418 લાભ સ્થળ ઉપર જ આપવામાં આવ્યા

Back to top button