કર્ણાટકની ભયાનક ઘટના: લગ્નનો ઇનકાર કરતા દલિત મહિલાની જાહેરમાં હત્યા, આરોપીનો મૃતદેહ જંગલમાંથી મળ્યો

કર્ણાટક: 4 જાન્યુઆરી,2026: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુર ટાઉનમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 30 વર્ષીય દલિત મહિલાની તેના જ પરિચિત વ્યક્તિએ રસ્તા પર છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી રફીક ઇમામસાબનો મૃતદેહ રવિવારે યેલ્લાપુર નજીકના જંગલમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.
ઘટનાની વિગત:
મૃતક મહિલાની ઓળખ યેલ્લાપુરના કલમ્મા નગરની રહેવાસી. 30 વર્ષીય રંજીતા ભાનસોડ તરીકે થઈ છે. રંજીતા શનિવારે બપોરે જ્યારે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રફીકે તેના પર હુમલો કર્યો હતો.
પોલીસ અધિક્ષક દીપન એમ.એન.ના જણાવ્યા મુજબ, રફીક અને રંજીતા શાળાના સમયથી મિત્રો હતા. રફીક રંજીતા પર લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તેણે ના પાડી તો રફીકે તેની હત્યા કરી નાખી.
મૃતક રંજીતાની પૃષ્ઠભૂમિ:
રંજીતાના લગ્ન 12 વર્ષ પહેલા સોલાપુરના સચિન કટેરા સાથે થયા હતા અને તેમને 10 વર્ષનો પુત્ર છે. તે તેના પતિથી અલગ રહીને સરકારી શાળામાં મધ્યાહન ભોજન સહાયિકા તરીકે કામ કરતી હતી. આરોપી રફીક અવારનવાર તેના ઘરે જમવા આવતો હતો, પરંતુ લગ્નની જીદને કારણે વિવાદ વધ્યો હતો.
વિરોધ અને ‘લવ જેહાદ’ના આક્ષેપો:
આ ઘટનાને પગલે યેલ્લાપુરમાં ભારે સાંપ્રદાયિક તણાવ સર્જાયો છે. હિન્દુ સંગઠનોએ રવિવારે ‘યેલ્લાપુર બંધ’નું એલાન આપ્યું હતું. શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિકે આ ઘટનાને ‘લવ જેહાદ’ ગણાવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર પણ પીડિત પરિવારની મુલાકાત લેવાના છે.
આરોપીના આત્મહત્યા બાદ પણ શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વધારાનો પોલીસ કાફલો તૈનાત કર્યો છે અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે.












