ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટક સરકારે વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં હિજાબ પહેરવાની આપી મંજૂરી

Text To Speech
  • CM સિદ્ધારમૈયા અને રાજ્ય શિક્ષણ મંત્રીએ બેઠક યોજી
  • સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લીધો નિર્ણય
  • 2022માં કૉલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ હતો

બેંગલુરુઃ કર્ણાટક સરકારે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની છૂટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય શિક્ષણ મંત્રી એમ.સી.સુધાકરે હિજાબ મુદ્દે બેઠક યોજી આ નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણય બાદ હવે વિદ્યાર્થિનીઓ કોઈપણ પ્રકારના પ્રતિબંધ વિના હિજાબ પહેરીને પરીક્ષા આપી શકશે. મહત્વનું છે કે, 2022માં કૉલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લાગુ કરાયો હતો ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી પ્રતિબંધ હટાવવાની માગ કરી હતી.

આ મામલે શિક્ષણ મંત્રી એમસી સુધાકરનું કહેવું છે કે કેટલાક લોકો હિજાબ વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ લોકો પરીક્ષામાં હિજાબ પહેરવા પર વાંધો ઉઠાવીને દેશનું વાતાવરણ બગાડીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સરકારે આ તમામ લોકોની સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે NEET પરીક્ષામાં પણ હિજાબ પહેરીને પેપર આપવાની છૂટ છે. કોઈપણ વ્યક્તિ પોતાની પસંદગીના કપડાં પહેરીને પરીક્ષા આપી શકે છે. તેના પર કોઈપણ પ્રકારનું નિયંત્રણ રહેશે નહીં.

2022માં હિજાબને લઈને વિવાદ થયો હતો

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઈને ઘણો હોબાળો થયો હતો. 2022માં વહીવટીતંત્રે ઉડુપી જિલ્લાની PU સરકારી કૉલેજમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને કોલેજમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. આ મામલે ભારે હોબાળો થયો હતો. કૉલેજના નિર્ણય સામે વિદ્યાર્થિનીઓએ કૉલેજની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધીરે-ધીરે આ પ્રદર્શન રાષ્ટ્રવ્યાપી વિવાદ બની ગયું હતું. ઠેર-ઠેર દેખાવો થતાં કર્ણાટકનું રાજકારણ ગરમાયું હતું.

આ પણ વાંચો: કર્ણાટકમાં ગૌહત્યા મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગરમાયું રાજકારણ 

Back to top button