ટોપ ન્યૂઝનેશનલ

Karnataka : પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ડીકે શિવકુમાર, રણદીપ સુરજેવાલા, સિદ્ધારમૈયા અને કેસી વેણુગોપાલની હાજરીમાં તેમને પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું. જગદીશ શેટ્ટરે રવિવારે જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારથી એવી વાતો ચાલી રહી હતી કે શેટ્ટર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ભાજપમાંથી રાજીનામું આપતી વખતે શેટ્ટરે કહ્યું હતું કે તેમણે ભારે હૈયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની ભાવિ યોજનાઓ જાહેર કરશે અને ઉમેર્યું હતું કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસમાં જોડાયા બાદ મીડિયા સાથે વાત કરતા જગદીશ શેટ્ટરે કહ્યું હતું કે ‘મેં ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. વિપક્ષના નેતા, પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ કોંગ્રેસમાં જોડાતા ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. ભાજપે મને દરેક હોદ્દો આપ્યો અને પાર્ટીનો કાર્યકર હોવાથી મેં હંમેશા પાર્ટીના વિકાસ માટે કામ કર્યું છે.

શેટ્ટરે કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાને કારણે મને ટિકિટ મળી જશે તેવું લાગ્યું હતું પરંતુ મને જ્યારે ખબર પડી કે મને ટિકિટ મળી રહી નથી ત્યારે હું ચોંકી ગયો. આ વિશે કોઈએ મારી સાથે વાત કરી ન હતી કે મને સમજાવવાનો પ્રયાસ કર્યો ન હતો. મને કયું પદ આપવામાં આવશે તે અંગે પણ મને કોઈ ખાતરી આપવામાં આવી ન હતી. જગદીશ શેટ્ટરના કોંગ્રેસમાં જોડાવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ‘આનાથી પાર્ટી મજબૂત થશે. કર્ણાટકના વાતાવરણથી બધા ખુશ છે અને તમામ નેતાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ કોઈ લિંગાયત પ્રશ્ન નથી પરંતુ તે (શેટ્ટર) અમારા કાર્યક્રમોને કારણે અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે ‘જો પૂર્વ સીએમ, પૂર્વ ડેપ્યુટી સીએમ અથવા કોઈ સાંસદ અમારી સાથે જોડાવા માંગે છે, તો હું તે બધાનું સ્વાગત કરું છું’.

આ પણ વાંચો : CGHS હોસ્પિટલોમાં આરોગ્ય યોજના હેઠળ ચાર્જમાં ફેરફાર, OPD, ICU અને રૂમના ભાડામાં વધારો

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું હતું કે ‘જગદીશ શેટ્ટર તરફથી કોઈ માંગ કરવામાં આવી નથી અને ન તો અમે તેમને કોઈ વચન આપ્યું છે. કોંગ્રેસમાં જોડાવા માટે તેમણે પાર્ટીના સિદ્ધાંતોને સ્વીકારવા પડશે અને પાર્ટી નેતૃત્વને પણ સ્વીકારવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે આ દેશ એકજૂટ રહે અને તે માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. શેટ્ટરને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી, જેના કારણે શેટ્ટર નારાજ થઈ ગયા હતા. પાર્ટીએ શેટ્ટરને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શેટ્ટર સહમત ન થયા અને આખરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું.

Back to top button