કર્ણાટક : વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોને ટિકિટની લાલચ આપી ખરીદવાના પ્રયાસનો આરોપ


કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા તમામ રાજકીય પક્ષોએ રાજ્યના મતદારોને પોતાની તરફેણમાં લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન રાજ્યના સીએમ બસવરાજ બોમાઈએ મંગળવારે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર પર ભાજપના ધારાસભ્યોને એવા મતવિસ્તારોમાં ટિકિટ આપીને લલચાવવાનો આરોપ મૂક્યો કે જ્યાં મોટી જૂની પાર્ટીએ હજુ વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
ભાજપની પ્રથમ યાદી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ?
આ દરમિયાન સીએમ બોમ્માઈએ પણ ભાજપના ઉમેદવારોની યાદીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભાજપ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ ભાજપ દ્વારા કઈ બેઠક ઉપર કોને ટિકિટ આપવાથી પક્ષને ફાયદો થઈ શકે છે તેનો સર્વે થઈ રહ્યો છે.
ધારાસભ્યોને ફોન કરી બોલાવવાનો આરોપ
બેલાગવીમાં પત્રકારો સાથે વાત કરતા બસવરાજ બોમાઈએ કહ્યું કે કેપીસીસી પ્રમુખ ડીકે શિવકુમાર છેલ્લા બે-ત્રણ દિવસથી અમારા ધારાસભ્યોને ફોન કરીને લાલચ આપી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ 100 મતવિસ્તારોમાં અમારા ધારાસભ્યોને બોલાવી રહ્યા છે જ્યાં તેમણે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. તેઓ એવી લાલચ આપી રહ્યા છે કે જો ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાશે તો તેમને તે મતવિસ્તારોમાંથી ટિકિટ આપવામાં આવશે.