કર્ણાટક: વિધાનસભાની બહાર 8 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જાણો સમગ્ર મામલો
- કર્ણાટક વિધાનસભાની બહાર એક જ પરિવારના 8 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સચિવાલયની બહાર તૈનાત પોલીસે તમામને ત્યાંથી હટાવીને અટકાયત કરી
બેંગ્લોર, 10 જાન્યુઆરી: કર્ણાટક વિધાનસભાની બહાર અચાનક અરાજકતાનો માહોલ સર્જાયો, કેમ કે એક જ પરિવારના 8 સભ્યોએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની જાતને સળગાવવાનો પ્રયાસ કરતા પહેલા શાહિસ્તા બાનુ અને મુનૈદ ઉલ્લાહે કહ્યું કે તેમને હાઉસિંગ મિનિસ્ટર તરફથી કોઈ મદદ મળી નથી. તેમના કહેવા પ્રમામે તેમણે વર્ષ 2016માં બેંક દ્વારા લીધેલી લોનના સંબંધમાં હાઉસિંગ મિનિસ્ટર પાસેથી મદદ માંગી હતી.
કેમ એક જ પરિવારના સભ્યો આત્મહત્યા કરવા મજબુર થયા?
મુનેદ ઉલ્લાહે વર્ષ 2016માં એક સહકારી બેંકમાંથી 50 લાખ રૂપિયાની લોન લીધી હતી. તેમણે આદુની ખેતી માટે આ લોન લીધી હતી પરંતુ નફો મળવાને બદલે તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે બેંકમાંથી લોન લીધા બાદ અત્યાર સુધી તેમણે બેંકમાં લગભગ 96 લાખ રૂપિયા ચૂકવ્યા છે. પરંતુ બેંકના લોકો આમાંથી મોટાભાગની રકમ વ્યાજની હોવાનું કહીને હેરાન કરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, લોનની બાકી રકમ વસૂલવા માટે બેંક તેમના પૈતૃક મકાનને વેચવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. પરિવારે બેંક પર આરોપ લગાવ્યો છે કે તે તેમનું ઘર 1 કરોડ 40 લાખ રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે ઘરની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ છે.
આત્મહત્યા કરવાના પ્રયાસને રોકી પોલીસે પરિવારની અટકાયત કરી
કર્ણાટક વિધાનસભાની બહાર એક જ પરિવારના 8 લોકોએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં તૈનાત પોલીસે તેમને રોકી અને તેમની અટકાયત કરી છે.
આ પણ વાંચો: પંજાબના જલંધર બસ સ્ટેન્ડ પર મહિલોઓની ધમાલ, દારૂ પીને મચાવ્યો હંગામો