
Karan Joshi And Nehal Vadoliya Controversy: ગુજરાતી ફિલ્મ જગતમાં છેલ્લા બે દિવસથી અભિનેત્રી નેહલ વડોલિયા અને ફિલ્મ ‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના અભિનેતા કરણ જોષી વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નેહલ વડોલિયાએ કરણ જોષી પર ઇન્સ્ટાગ્રામ મારફતે અશ્લીલ અને અભદ્ર મેસેજ મોકલ્યાના ગંભીર આરોપો લગાવ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. આ આરોપો સામે હવે કરણ જોષીએ વીડિયો જાહેર કરીને પોતાની બાજુ રજૂ કરી છે અને સમગ્ર ઘટનાને “પાંચ મહિના જૂની ગેરસમજ” ગણાવી છે.
નેહલ વડોલિયાના આરોપોથી શરૂ થયો વિવાદ
અભિનેત્રી નેહલ વડોલિયાએ થોડા દિવસ પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે કરણ જોષી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. નેહલનો દાવો હતો કે કરણ જોષીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમને અત્યંત વાંધાજનક અને અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો અને લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.
જો કે, વીડિયો શેર થયા બાદ આશરે દોઢ કલાકમાં જ નેહલે તેને ડિલીટ કરી દીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં અનેક યુઝર્સે વીડિયો ડાઉનલોડ કરી લીધો હતો અને અલગ-અલગ પ્લેટફોર્મ પર તે વાયરલ થઈ ગયો હતો. વીડિયો ડિલીટ થતાં સોશિયલ મીડિયા પર સવાલો ઊભા થયા હતા કે જો આરોપો ગંભીર હતા તો વીડિયો કેમ દૂર કરવામાં આવ્યો.
કરણ જોષીનો ખુલાસો: ‘હું ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત હતો’
આરોપો વચ્ચે અભિનેતા કરણ જોષીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો. વીડિયોમાં કરણે જણાવ્યું કે આ ઘટના પાંચ મહિના જૂની છે અને તે સમયે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કરણના જણાવ્યા અનુસાર, “માત્ર નેહલ બહેનને જ નહીં પરંતુ મારા ઘણા મિત્રો, ઓળખીતાઓ અને સંબંધીઓને પણ મારા એકાઉન્ટ પરથી શંકાસ્પદ મેસેજ મોકલાયા હતા. કેટલાક પાસે પૈસાની માંગણી થઈ હતી તો કેટલાકને અભદ્ર મેસેજ મળ્યા હતા. તે સમયે હું ફિલ્મના પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત હતો એટલે શરૂઆતમાં મને ખબર પડી નહોતી કે મારા એકાઉન્ટમાં શું ચાલી રહ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે મિત્રોએ ફોન કરીને પૂછ્યું કે આવા મેસેજ કેમ આવી રહ્યા છે, ત્યારબાદ તેમને એકાઉન્ટ હેક થવાની જાણ થઈ હતી. કરણનો દાવો છે કે ત્યારબાદ તેમણે તરત જ પોતાના સોશિયલ મીડિયા પર જાણ કરી હતી કે તેમનું એકાઉન્ટ હેક થયું છે.
‘તે સમયે બધું ક્લિયર થઈ ગયું હતું’
કરણ જોષીએ વીડિયોમાં કહ્યું કે તે સમયે નેહલ વડોલિયાને પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે આ મેસેજ પાછળ તેમની કોઈ સંડોવણી નથી. “તે વખતે જ બધું ક્લિયર કટ થઈ ગયું હતું, પરંતુ હવે પાંચ મહિના જૂની ઘટનાને ફરી અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે,” એમ તેમણે જણાવ્યું.
કરણનો એવો પણ આરોપ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો હવે “કાયદા” તરીકે કરવા લાગ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે કોઈપણ વ્યક્તિ અંગે અભિપ્રાય બનાવતા પહેલા હકીકત જાણી લેવી જોઈએ.
નેહલનો દાવો: ‘મને ઈમોશનલ બ્લેકમેલ કરવામાં આવી’
બીજી તરફ નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો પણ દાવો કર્યો કે શરૂઆતમાં તેમને કહેવામાં આવ્યું હતું કે મેસેજ કોઈ મિત્રએ કર્યા હતા, પછી કહેવામાં આવ્યું કે એકાઉન્ટ હેક થયું હતું. ત્યારબાદ એક કોમન ફ્રેન્ડ, કરણ જોષી, ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સહિત પાંચ લોકો દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ થયો હતો.
નેહલે લખ્યું કે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે વીડિયો ડિલીટ નહીં કરવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણનું નામ ખરાબ થશે. આ બાબતે તેમણે કટાક્ષ કરતાં લખ્યું હતું કે “કાંડ તમે કરો અને નામ ભગવાનનું ખરાબ થાય?” તેમણે વધુમાં કહ્યું કે મામલો શાંત પાડવા માટે એક પ્રકારની “પંચાયત” કરવામાં આવી હતી અને તેમને વીડિયો ડિલીટ કરવા માટે મનાવવામાં આવ્યા હતા.
‘હું ફેમસ થવા માટે નહીં, સત્ય માટે બોલી રહી છું’
નેહલ વડોલિયાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, તેઓ આ બધું માત્ર લોકપ્રિયતા માટે નથી કરી રહી, પરંતુ લોકો સામે સત્ય મૂકવા માટે કરી રહી છે. તેમણે કહ્યું કે કોઈ અન્ય યુવતી આવી પરિસ્થિતિમાં ન ફસાય તે માટે તેઓ અવાજ ઉઠાવી રહી છે.
તેમણે મહિલાઓને સાવચેત રહેવાની અપીલ કરતાં લખ્યું કે, “જો તમારી સાથે ખોટું થાય તો અવાજ જરૂર ઉઠાવો. લોકો પુરાવા વગર વિશ્વાસ નથી કરતા, એટલે સજાગ રહો.”
સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાયા
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો નેહલ વડોલિયાના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો કરણ જોષીના હેકિંગના દાવાને યોગ્ય ગણાવી રહ્યા છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ વિવાદ હાલ “ટોક ઓફ ધ ટાઉન” બન્યો છે. જોકે બંને પક્ષો પોતાના દાવા પર અડગ છે અને હકીકત શું છે તે અંગે હજુ પણ ચર્ચા ચાલુ છે. હાલ લોકો આગળના વિકાસ અને બંને પક્ષ તરફથી વધુ ખુલાસાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: લોઢા કમિટીના નિયમોના ભંગનો આરોપ, SCA મામલે નિવૃત્ત જજ કરશે તપાસ












