ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘હાથ’ છોડી સિબ્બલની ‘સાયકલ’ની સવારી: કહ્યું-” હવે કૉંગ્રેસમાં નથી”

Text To Speech
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે અને હવે તેમણે સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. નોમિનેશન પહેલા સિબ્બલ સપાની ઓફિસે ગયા હતા અને અખિલેશની સાથે જ રાજ્યસભા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે સમાજવાદીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સદસ્ય રામગોપાલ યાદવ પણ હાજર હતા. જ્યાં અખિલેશ યાદવ, રામગોપાલ યાદવની હાજરીમાં રાજ્યસભા ચૂંટણી માટે સિબ્બલે ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી બાદ શું કહ્યું સિબ્બલે?
અખિલેશ યાદવની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પછી સિબ્બલે કહ્યું કે તેમણે 16 તારીખે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે- “હું હવે કોંગ્રેસનો નેતા નથી. ગત વખતે પણ હું યુપીથી રાજ્યસભામાં ગયો હતો. વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ મોરચો બનાવી રહ્યો છે. તેઓ વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગે છે.” જોકે, તેમણે કહ્યું કે 31 વર્ષ પછી કોંગ્રેસ છોડવું એટલું સરળ નહોતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સપાના નેતા આઝમ ખાને સિબ્બલના જોરદાર વખાણ કર્યા હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે પાર્ટી તેમને રાજ્યસભાની ટિકિટ આપી શકે છે.

શું કહ્યું અખિલેશ યાદવે?
આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે “સપાને કપિલ સિબ્બલ જેવા નેતાઓની જરૂર છે. કપિલ સિબ્બલ પોતાની વાત ખૂબ સારી રીતે રજૂ કરે છે. તેમજ તે એક સફળ વકીલ છે.”

કોંગ્રેસમાં સિબ્બલની ટિકિટ પર સસ્પેન્સ યથાવત હતું, તે સમયે 3 મોટા વિપક્ષો તેમને પોતાના કોટાથી રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતા. ઉત્તરપ્રદેશથી સપા, બિહારથી રાજદ અને ઝારખંડમાંથી ઝામુમો સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતી. જોકે સિબ્બલે અખિલેશની સાથે જવાનું નક્કી કર્યું છે. કપિલ સિબ્બલ 2004થી લઈને 2014 સુધી મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યાં હતા. સિબ્બલ વી પી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચુક્યા છે. 2016માં કોંગ્રેસે તેમને UPમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા.

અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ રાજ્યસભામાં જશે. આ સિવાય પાર્ટી જાવેદ અલી ખાનને પણ રાજ્યસભામાં મોકલી રહી છે. તેઓ ભૂતકાળમાં સપાના રાજ્યસભા સભ્ય પણ રહી ચૂક્યા છે. એક માહિતી મુજબ, રાજ્યસભામાં અત્યાર સુધી સપાના પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંબર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

UPની 11માંથી 7 સીટ BJP,3 સીટ SPને મળવાનું નક્કી
રાજ્યસભાની 11 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે. આ સભ્યોની મુદત 4 જુલાઈના રોજ પુરી થાય છે. આ માટે 24 થી 31 મે દરમિયાન નામાંકન ભરવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂનના રોજ થશે. તમે 3 જૂન સુધી તમારું નામ પાછું ખેંચી શકો છો. 10 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ ગુરુવારે તેનો કાર્યક્રમ જાહેર કર્યો.

આ 11 બેઠકોમાંથી ભાજપને સાત અને સપાને ત્રણ બેઠકો મળવાનું લગભગ નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક સીટ માટે 36 ધારાસભ્યોના વોટની જરૂર છે. ભાજપ ગઠબંધન પાસે 273 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં તેમને 7 બેઠકો જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. સપા પાસે 125 ધારાસભ્યો છે. તેમને 3 બેઠકો જીતવામાં કોઈ વાંધો નથી, પરંતુ 11મી બેઠક માટે ભાજપ અને સપા એકબીજાની છાવણીમાં ઘૂસવાનો પ્રયાસ કરશે.

Back to top button