કનુભાઈ કળસરિયાની ઘરવાપસી નક્કી, મહુવામાં સી.આર.પાટીલ સાથે મુલાકાત થઈ
ભાવનગર, 06 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાવ સાફ થઈ ગઈ છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કનુભાઈ કળસરિયા સાથે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મુલાકાત કરતાં રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. હવે કનુભાઈ ટૂંક સમયમાં ભાજપમાં ઘરવાપસી કરે તેવી શક્યતાઓ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે અમરેલીની મુલાકાત બાદ મહુવા પહોંચ્યા હતા.
કનુભાઈએ હું વિચારીને જવાબ આપીશ એમ કહ્યું
મહુવાના વડલી ખાતેની હોસ્પિટલમાં સી.આર.પાટીલ. રઘુભાઈ ઉંબલ. માયાભાઈ આહીરની હાજરીમાં કનુભાઈ કળસરિયા સાથે મુલાકાત થઈ હતી. સી.આર.પાટીલે કનુભાઈ સાથે ભોજન પણ લીધું હતું. કનુભાઈએ મીડિયાને કહ્યું હતું કે, વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાઈ રહ્યાં છે એવો માહોલ દેખાઈ રહ્યો છે. મારે સી.આર.પાટીલ સાથે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી. તેમણે ભાજપમાં જોડાવવા અંગે કહ્યું કે, હુ ભાજપમાં જોડાવવાનો છું તેવી વાત ચાલી રહી છે પરંતુ મેં વિચારવાનો સમય માંગ્યો છે. હું વિચારીને જવાબ આપીશ. દરિયાકાંઠા અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તેની માટે લડતા આવ્યા છીએ અને ઝડપથી તેનો ઉકેલ આવે તેવી લાગણી છે.
કોણ છે કનુભાઈ કળસરીયા?
કનુભાઈ કળસરીયા અગાઉ ભાજપમાં જ હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2012માં ભાજપ છોડી દીધું હતું.તેઓ 2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીને મળ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડતા હારી ગયા હતા. 2018માં દિલ્હી ખાતે રાહુલ ગાંધીને મળ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ફરીથી હારી ગયા હતા. કનુભાઈએ નિરમા કંપનીના સિમેન્ટ પ્લાન્ટનો વિરોધ કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકાર સામે આંદોલન ચલાવ્યું હતું. AAP અને કોંગ્રેસમાં જોડાયા પછી તેમને કોઈ રાજકીય કે ચૂંટણીમાં સફળતા મળી નથી. ત્યારે હવે તેઓ ફરીથી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃગુજરાત કોંગ્રેસમાં વિસર્જન જેવી સ્થિતિ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું રાજીનામું