કાનપુર હિંસાઃ ભાજપે પોતાના નેતાઓના નિવેદનોની કરી નિંદા, જાણો- કડક શબ્દોમાં શું કહ્યું?
કાનપુર હિંસાને લઈને ઘણો હંગામો ચાલી રહ્યો છે. ભાજપના નેતાઓના નિવેદનોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેમાં અનેક પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો સામેલ છે. હવે આ સમગ્ર મામલે ભાજપ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. ભાજપે આ નિવેદનમાં કહ્યું છે કે “કોઈપણ ધર્મનું અપમાન સ્વીકારવામાં આવશે નહીં. ભાજપ તમામ ધર્મોનું સન્માન કરે છે અને દેશના દરેક નાગરિકે આવું કરવું જોઈએ.”
પયગંબર મોહમ્મદ વિશે ભાજપના પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણી પર પ્રતિક્રિયા વચ્ચે, ભાજપે રવિવારે કહ્યું કે પાર્ટી “કોઈપણ ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની સખત નિંદા કરે છે”. “ભારતીય જનતા પાર્ટી દરેક વિચારધારાની વિરુદ્ધ છે જે કોઈપણ સંપ્રદાય અથવા ધર્મનું અપમાન કરે છે. ભાજપ આવા લોકોને પ્રોત્સાહન આપતું નથી,”
શું હતું ભાજપનું નિવેદન?
તમને જણાવી દઈએ કે, BJPના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે, “ભારતની હજારો વર્ષની યાત્રામાં દરેક ધર્મનો વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટી સર્વપંથ સમભાવમાં માને છે. ભાજપ કોઈપણ ધર્મના ઉપાસકોનું અપમાન સ્વીકારતું નથી. ભારતીય જનતા પાર્ટી કોઈપણ ધર્મ કે સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા કોઈપણ વિચારને સ્વીકારતી નથી. ભાજપ આવા કોઈ વિચારને સ્વીકારતું નથી કે પ્રોત્સાહિત કરતું નથી. દેશનું બંધારણ પણ ભારતનો દરેક નાગરિક તમામ ધર્મોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખે છે. આઝાદીના 75માં વર્ષમાં, આ અમૃત કાળમાં, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સતત મજબુત બનાવતા આપણે દેશની એકતા, દેશની અખંડિતતા અને દેશના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની છે.”
નૂપુર શર્માએ પયગંબર હઝરત મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલની ચર્ચામાં, નૂપુર શર્માએ ઈસ્લામ, તેના સિદ્ધાંતો અને ઈસ્લામના પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ હવે દેશભરમાં મુસ્લિમ સમાજ નુપુર શર્મા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યો છે.