દિલ્હીની રોહિણી કોર્ટે કંઝાવલા ઘટનાના આરોપી આશુતોષ ભારદ્વાજને જામીન આપ્યા છે. ભારદ્વાજ પર કાર અંજલિના ટુ-વ્હીલરને અથડાવી અને પછી તેને 12 કિલોમીટર સુધી ઘસડી જવાનો આરોપ હતો. આશુતોષ ભારદ્વાજની બલેનો કાર સાથે અકસ્માત થયો હતો. આ મામલે આશુતોષને જામીન મળી ગયા છે. કોર્ટે સોમવારે ચુકાદો અનામત રાખ્યો હતો. જે સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે આરોપી આશુતોષ ભારદ્વાજને રૂપિયા 50,000ના બોન્ડ પર જામીન આપ્યા છે. આ સાથે કોર્ટે આશુતોષને તપાસમાં સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
અગાઉ, દિલ્હીની સેશન્સ કોર્ટને સોમવારે જાણ કરવામાં આવી હતી કે પોલીસ 20 વર્ષીય યુવતીને કાર અથડાવી અને તેને ખેંચી જવાના કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) ઉમેરશે. હત્યાના ગુનામાં આજીવન કેદ અથવા ફાંસીની સજાની જોગવાઈ છે. આ કેસમાં સાતમાંથી છ આરોપીઓ પર શરૂઆતમાં કલમ 304 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. એડિશનલ સેશન્સ જજ સુશીલ બાલા ડાગરની કોર્ટે સોમવારે એક આરોપી આશુતોષ ભારદ્વાજની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.
સરકારી વકીલે ગંભીર આક્ષેપો કર્યા હતા
કોર્ટની કાર્યવાહી દરમિયાન અધિક સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે પોલીસ આ કેસમાં કલમ 302 ઉમેરશે. તેમણે કહ્યું કે જે વ્યક્તિને વાહન ચલાવવા માટે અધિકૃત નથી તેને કાર આપવાની હિલચાલ, ગુનાની માહિતી છુપાવવી અને ડ્રાઇવર તરીકે સહ-આરોપીનું નામ આપવું વગેરેને પણ કાવતરાના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ગુરુવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા ભારદ્વાજની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેમના વકીલ સેશન્સ કોર્ટમાં ગયા હતા.
આ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં
31 ડિસેમ્બરની મોડી રાત્રે કંઝાવલમાં એક યુવતીની સ્કૂટીને સાથે કાર અથડાયા બાદમાં યુવતી કારની પાછળના ભાગમાં ટાયર નજીક ફસાઈ ગઈ હતી. તે કાર 12 કિલોમીટર સુધી ચલાવવામાં આવતા યુવતીનું ઘસડાવવાના કારણે મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), ક્રિષ્ના (27), મિથુન (26) અને મનોજ મિત્તલની 2 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. આ પછી આશુતોષની ધરપકડ કરવામાં આવી હતી.