રાજકારણમાં કંગનાની એન્ટ્રી કન્ફર્મ? ભાજપમાંથી લડશે ચૂંટણી
- હવે અભિનેત્રીના પિતા અમરદીપ રણૌતે આ વાતને કન્ફર્મ કરી દીધી છે. હવે ગ્લેમર વર્લ્ડની ક્વીન પોલિટિક્સમાં પણ તેનો ડંકો વગાડવા તૈયાર થઈ ગઈ છે.
ફિલ્મોમાં પોતાના ધાકડ અંદાજથી ચાહકોના દિલ જીતનાર કંગના રણૌત હવે રાજકારણના મેદાનમાં ઉતરવા માટે પણ તૈયાર છે. કંગનાની પોલિટિક્સમાં એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. કંગનાને લઈને લાંબા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તે લોકસભાની ચૂંટણી લડશે. હવે અભિનેત્રીના પિતા અમરદીપ રણૌતે આ વાતને કન્ફર્મ કરી દીધી છે. હવે ગ્લેમર વર્લ્ડની ક્વીન પોલિટિક્સમાં પણ તેનો ડંકો વગાડવા તૈયાર થઈ ગઈ છે.
અમરદીપ રણૌતે જણાવ્યુ કે કંગના ચૂંટણી તો લડશે, પરંતુ માત્ર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જ. તે ક્યાંથી ચૂંટણી લડશે એ વાત હજુ સ્પષ્ટ થઈ નથી. થોડા સમય પહેલા ગુજરાતના દ્વારકામાં મીડિયા સાથે વાત કરતા કંગનાએ કહ્યું હતું કે ભગવાનની કૃપા રહી તો તે જરૂર ચૂંટણી લડશે. તેણે એ વાતનો સંકેત આપ્યો હતો કે આ માટે તે પોઝિટીવ છે. તાજેતરમાં કંગનાએ બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
જેપી નડ્ડા સાથે કરી હતી મુલાકાત
બે દિવસ પહેલા કંગનાએ કુલ્લુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ કંગનાની ચૂંટણી લડવાની ચર્ચાએ વધુ વેગ પકડ્યો હતો. દરમિયાન, કંગનાના પિતા અમરદીપ રણૌતે મીડિયાને નિવેદન આપ્યું છે અને પુષ્ટિ કરી છે કે તેમની પુત્રી ચૂંટણી લડવાની છે અને તે ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે. પરંતુ ક્યાંથી ટિકિટ આપવી તે પક્ષ જ નક્કી કરશે.
એવી ચર્ચા છે કે કંગના ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ચંદીગઢ અથવા હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી લડી શકે છે. જોકે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. કંગના રણૌત હિમાચલ પ્રદેશના ભામ્બલા ગામની રહેવાસી છે અને તેણે મનાલીમાં ઘર પણ બનાવ્યું છે. તેનો પરિવાર પણ મનાલીમાં રહે છે. કંગના અને તેનો આખો પરિવાર હંમેશાથી ભાજપનો સમર્થક રહ્યો છે.
આ પણ વાંચોઃ લોકસભામાં 3 નવા ક્રિમિનલ બિલ પસાર, બળાત્કાર અને મોબ લિચિંગ પર ફાંસીની જોગવાઈ