કંગના રાણાવતે મમતા બેનર્જીની મદદ માંગી, જાણો એવું શું બન્યું?
કોલકાતા, 21 ઑગસ્ટ : ફિલ્મ ‘ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ’ના ડિરેક્ટર સનોજ મિશ્રા ગુમ થઈ ગયા છે એવો દાવો કંગનાએ કર્યો છે. બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રાણાવતે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને ફિલ્મ ડિરેક્ટરને શોધવાની વિનંતી કરી. કંગનાએ જણાવ્યું કે બંગાળ સરકાર દ્વારા તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો, ત્યારબાદ તે કોલકાતા ગયા અને ત્યારથી તે ગુમ છે. ડિરેક્ટરની પત્નીએ કંગનાને મદદ માટે વિનંતી કરી છે.
સનોજ ક્યાં ગાયબ થઈ ગયા?
કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સનોજ મિશ્રાનો ફોટો અપલોડ કર્યો અને લખ્યું- આ સનોજ કુમાર મિશ્રા છે. તેમણે ‘ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ‘ નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મમતા બેનર્જી સરકારે તેમની સામે કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી માટે તે 14 ઓગસ્ટે કોલકાતા ગયા હતા અને ત્યારથી ગુમ છે. તેની પત્ની મને રોજ ફોન કરે છે. ગઈકાલે રાતથી તેની હાલત ખૂબ જ ખરાબ છે અને તે પણ બંગાળ જવા રવાના થઈ ગઈ છે. હું મમતા બેનર્જીને વિનંતી કરું છું કે તેઓ તેમની મદદ કરે અને તેમના પતિને શોધે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સનોજે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. સનોજ ગુરુ સ્વામી રામ ભદ્રાચાર્યજીના આશીર્વાદ લેવા ચિત્રકૂટ આવ્યા હતા. તેમણે આ પોસ્ટમાં ડર પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેની સાથે કંઈપણ થઈ શકે છે.
સનોજે ભય વ્યક્ત કર્યો હતો
સનોજે લખ્યું હતું કે, મિત્રો, હું તમારા બધાની માફી માંગુ છું. આજે મારો જન્મદિવસ હતો, આ પ્રસંગે હું મારી ટીમ સાથે 30મી ઓગસ્ટે રિલીઝ થનારી મારી ફિલ્મ માટે આશીર્વાદ લેવા ચિત્રકૂટ આવ્યો હતો. જગત ગુરુ સ્વામી રામ ભદ્રાચાર્યજીએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું અને જ્યારે તેમને ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે, ત્યારે તેમણે સભા પછી તેમના રૂમમાં વિશેષ પૂજા કરી હતી. હું આ ફિલ્મને લઈને સરકારી દબાણ અને દમનકારી નીતિનો શિકાર બન્યો છું અને ભાંગી પડ્યો છું. મેં તમને ક્યારેય નેગેટિવ વાત કરી નથી, પરંતુ હું ઘણી મુશ્કેલીમાં છું. મારી સાથે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. હું તમારા અભિનંદન સંદેશાઓનો જવાબ આપી શક્યો નથી, કેમ કે હું ચારે બાજુથી દબાણ હેઠળ છું.
બંગાળમાં હિંસાની ઘટનાઓ પર ફિલ્મ ‘ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ’ બનાવનાર સનોજ મિશ્રા જાણીતા નિર્દેશક છે. તેના નજીકના લોકોનું કહેવું છે કે કોલકાતા પોલીસે સનોજને બોલાવ્યો હતો. આ માટે તે કોલકાતા ગયો હતો અને ત્યારથી તે ગુમ થઈ ગયો હતો. તેનો ફોન પણ છેલ્લા 48 કલાકથી બંધ છે. નોંધનીય છે કે સનોજ મિશ્રા લખનઉના રહેવાસી છે. તેણે અગાઉ તેને કાશી ટૂ કશ્મીર ગજનવી, રામ કી જન્મભૂમિ, એક્ટર સુશાંત સિંહ રાજપૂત પર શશાંક અને ગાંધીગીર જેવી ફિલ્મો બનાવી છે.
આ પણ વાંચો : 11 વર્ષની હતી સજા, 37 વર્ષ જેલમાં રાખ્યો: બાંગ્લાદેશમાંથી મુક્ત થયેલા ભારતીયએ જણાવી આપવીતી