કંગના અને આર. માધવનની ફિલ્મ તનુ વેડ્સ મનુનો ત્રીજો ભાગ કન્ફર્મ, ડિરેક્ટરે આપી હિન્ટ
- તનુ વેડ્સ મનુ એક ફ્રેન્ચાઇઝી છે જેના ત્રીજા ભાગની માંગ ઉઠી રહી છે: ડિરેક્ટર
મુંબઈ, 9 ઓગસ્ટ: વર્ષ 2011માં આનંદ એલ રાયની ફિલ્મ તનુ વેડ્સ મનુ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. તનુ વેડ્સ મનુની સફળતા બાદ, આ ફિલ્મનો બીજો ભાગ પણ આવ્યો અને બીજા ભાગને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યો. તનુ વેડ્સ મનુ રિટર્ન્સ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગના અને માધવનની જોડી હતી. કંગના રનૌત અને આર. માધવને બધાને ખૂબ હસાવ્યા. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવવાનું કન્ફર્મ થઈ ગયું છે.
તનુ વેડ્સ મનુનો ત્રીજો ભાગ આવશે
અહેવાલ મુજબ આનંદ એલ રાયે કહ્યું છે કે, ફિલ્મનો ત્રીજો ભાગ ચોક્કસપણે આવશે. તેમણે કહ્યું કે, “તનુ વેડ્સ મનુ એક ફ્રેન્ચાઇઝી છે જેના ત્રીજા ભાગની માંગ ઉઠી છે, કારણ કે તેના પાત્રો ખૂબ સુંદર છે, કંગના અને આર. માધવને આ પાત્રોને ખૂબ જ સુંદર રીતે ભજવ્યા છે. પાત્રો સ્ટોરી કરતા થોડા મોટા થઈ ગયા છે.”
શા માટે બનાવવામાં આવી તનુ વેડ્સ મનુ રિટર્ન્સ?
આનંદ એલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તનુ વેડ્સ મનુને ફ્રેન્ચાઈઝી બનાવવાની કોઈ યોજના નહોતી, તનુ વેડ્સ મનુની સફળતા બાદ ફિલ્મની સિક્વલ નક્કી કરવામાં આવી હતી. તનુ વેડ્સ મનુ ખૂબ જ સારી રીતે સમાપ્ત થઈ. સ્ટોરી પૂરી થઈ, પરંતુ પાત્રો પાછા આવવા આતુર હતા. તેથી અમે બીજી એક ફિલ્મ બનાવી શક્યા.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કંગના રનૌતે તનુ વેડ્સ મનુના પાર્ટ 3માં તેની ભાગીદારીની પુષ્ટિ કરી હતી. જો કે, દિગ્દર્શકે સ્પષ્ટતા કરી હતી કે સ્ટોરી હજુ સુધી લોક કરવામાં આવી નથી. દિગ્દર્શકે કહ્યું કે, “તનુ વેડ્સ મનુ રિટર્ન્સ સાથે અમે એક નવું પાત્ર દત્તુ લઈને આવ્યા હતા. આ પાત્ર ત્રીજા ભાગની માંગ કરી રહ્યું છે. અમારી પાસે એક મહાન સ્ટોરી છે, આ સ્ટોરી જેના પાત્ર તનુ-મનુ અને દત્તુ હશે, અમે તે બનાવીશું.”
આ પણ જૂઓ: પહેલા પોતાના લગ્ન…: અભિષેક બચ્ચન ઓલિમ્પિકમાં એકલા દેખાતા લોકો આપવા લાગ્યા સલાહ