T20 વર્લ્ડકપટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

કેન વિલિયમસને ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ છોડી! સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ નકારી કાઢ્યો

  • T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ કેન વિલિયમસને લીધું મોટું પગલું 

HD ન્યૂઝ ડેસ્ક, 19 જૂન: ન્યૂઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પણ પહોંચી શકી નથી. T20 વર્લ્ડ કપમાંથી ન્યૂઝીલેન્ડની ટીમ બહાર થયા બાદ કેન વિલિયમસને ODI અને T20 ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. વિલિયમસને 2024-25 સીઝન માટેનો કેન્દ્રીય કરાર પણ નકારી કાઢ્યો છે. તદુપરાંત વિલિયમસન પહેલા જ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી ચૂક્યો છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તે સુપર 8માં પણ પહોંચી શક્યું નહીં. ન્યૂઝીલેન્ડને પહેલા અફઘાનિસ્તાન સામે 84 રનથી હારનો સામનો કરવો પડ્યો અને ત્યારબાદ તેને સહ યજમાન વેસ્ટ ઈન્ડિઝે 13 રનથી હરાવ્યું હતું. આ પછી કિવી ટીમે યુગાન્ડાને 9 વિકેટે અને પાપુઆ ન્યૂ ગિનીને સાત વિકેટે હરાવ્યું. પરંતુ સુપર 8 સુધી પહોંચવા માટે આ પૂરતું રહ્યું નહીં. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ Cમાંથી પ્લેઓફમાં જગ્યા બનાવી છે.

 

વિલિયમસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું શું થશે?

T20 વર્લ્ડ કપમાંથી ન્યૂઝીલેન્ડની ટીમ વહેલી બહાર થયા બાદ કેન વિલિયમસને ODI અને T20 ટીમની કેપ્ટન્સી છોડી છે. જો કે, વિલિયમસને કહ્યું કે, સુકાનીપદ છોડવા અને કેન્દ્રીય કરારમાંથી બહાર થવા છતાં તે ત્રણેય ફોર્મેટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

33 વર્ષીય વિલિયમસને વધુમાં કહ્યું કે, ‘હું ટીમને તમામ ફોર્મેટમાં પ્રગતિ કરવામાં મદદ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છું અને હું તેમાં યોગદાન આપવા માંગુ છું. ન્યુઝીલેન્ડની ગરમીઓ દરમિયાન વિદેશમાં રમવાની તક રહેશે, તેથી હું કેન્દ્રીય કરારની ઓફર સ્વીકારવામાં અસમર્થ છું.’ ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડમાં જાન્યુઆરી મહિનામાં બહુ ઓછું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાય છે.

વિલિયમસને ટ્રેન્ટ બોલ્ટનો માર્ગ અપનાવ્યો

ન્યુઝીલેન્ડના ખેલાડીઓ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકારી કાઢવો એ કોઈ નવી વાત નથી. ટ્રેન્ટ બોલ્ટ અને જિમી નીશમ જેવા સ્ટાર ખેલાડીઓએ પણ આવું કર્યું છે, જેથી તેઓ વિદેશી લીગમાં ભાગ લઈ શકે. ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડ ક્રિકેટના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય ડોમેસ્ટિક સુપર સ્મેશ સ્પર્ધા (T20 સ્પર્ધા) રમવા માટે પ્રતિબદ્ધ રહેવું પડે છે, પરંતુ બોલ્ટ-નીશમની જેમ વિલિયમસન પણ આ ઈચ્છતા નથી.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અનુસાર, કેન વિલિયમસન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં ન્યૂઝીલેન્ડની બાકીની આઠ મેચો માટે ઉપલબ્ધ રહેશે. આ ચેમ્પિયનશિપમાં ન્યુઝીલેન્ડ ફરી એકવાર ફાઈનલ રમવાનો પ્રયાસ કરશે, જે આવતા વર્ષે જૂનમાં લોર્ડ્સમાં રમાશે. નવેમ્બરના અંતમાં, ન્યુઝીલેન્ડ તેની ધરતી પર ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમશે.

વિલિયમસન કહે છે કે, ‘ન્યૂઝીલેન્ડ માટે રમવું મારા માટે ખૂબ મૂલ્યવાન છે અને ટીમને કંઈક પાછું આપવાની મારી ઈચ્છા હજુ પણ ઓછી થઈ નથી. જોકે, ક્રિકેટની બહાર મારું જીવન બદલાઈ ગયું છે. મારા પરિવાર સાથે વધુ સમય પસાર કરવો. દેશ હોય કે વિદેશમાં તેમની સાથે અનુભવો માણવું એ મારા માટે વધુ મહત્ત્વનું છે.

કેન વિલિયમસનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 100 ટેસ્ટ, 165 વનડે અને 93 T20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ મેચોમાં તેણે 54.98ની એવરેજથી 8743 રન બનાવ્યા છે, જેમાં 32 સદી અને 34 અડધી સદી સામેલ છે. વન ડે ઈન્ટરનેશનલમાં વિલિયમસનના નામે 48.64ની એવરેજથી 6810 રન છે. કેન વિલિયમસને વનડેમાં 13 સદી અને 45 અડધી સદી ફટકારી છે. T20 ઈન્ટરનેશનલમાં વિલિયમસને 33.44ની એવરેજ અને 18 અડધી સદીની મદદથી 2575 રન બનાવ્યા છે. વિલિયમસને 40 ટેસ્ટ (22 જીત, 10 હાર), 91 ODI (46 જીત, 40 હાર) અને 75 T20 મેચ (39 જીત, 34 હાર)માં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કર્યું છે.

આ પણ જુઓ: નીરજ ચોપરા ઓલિમ્પિક પહેલા ફોર્મમાં દેખાયો: પાવો નૂરમી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ

Back to top button